પંજાબની રાજધાની ચંડીગઢના સેક્ટર-37માં આવેલી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કાર્યાલયની બહાર આજે એક રહસ્યમય વિસ્ફોટ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. અંદાજે અડધા કલાક પહેલા થયેલા આ ધડાકાને કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. સદનસીબે, આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે કોઈ વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ નથી, પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ આ ગંભીર બેદરકારી માનવામાં આવી રહી છે.

ઘટનાસ્થળેથી વિસ્ફોટક સામગ્રી મળી

પોલીસ અને સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ બહુ તીવ્ર નહોતો, પરંતુ ઘટનાસ્થળની તપાસ દરમિયાન ત્યાંથી લોખંડના નાના છરા મળી આવ્યા છે. આ પુરાવા સૂચવે છે કે વિસ્ફોટ કોઈ મોટું નુકસાન પહોંચાડવાના ઈરાદે કરવામાં આવ્યો હોઈ શકે છે. વિસ્ફોટ થતાની સાથે જ પંજાબ પોલીસ ઉપરાંત ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં પોલીસે આખા વિસ્તારને સીલ કરી દીધો છે અને ફોરેન્સિક ટીમ પુરાવા એકત્ર કરી રહી છે

CRPF તૈનાત અને હાઈ એલર્ટ

ઘટનાની ગંભીરતાને જોતા ભાજપ કાર્યાલયની આસપાસ CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) ના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આસપાસ પાર્ક કરેલા વાહનો અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે જેથી વિસ્ફોટ પાછળ કોનો હાથ છે તે જાણી શકાય. સ્થાનિક વહીવટીતંત્રે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

પાલિકા-પંચાયતની ચૂંટણીઓ નજીક છે ત્યારે રાજકીય પક્ષની ઓફિસ પાસે આવો વિસ્ફોટ થવો એ અનેક સવાલો ઉભા કરે છે. શું આ કોઈ મોટું કાવતરું હતું કે માત્ર ભય ફેલાવવાનો પ્રયાસ, તે પોલીસની સઘન તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ હવે વીજળી પડશે તેના 40 મિનિટ પહેલા તમારાં સ્માર્ટ ફોનમાં વાગશે એલર્ટ, હવામાન વિભાગે બનાવી ખાસ એપ