ચોમાસામાં કે કમોસમી વરસાદ દરમિયાન આકાશમાંથી પડતી વીજળી દર વર્ષે સેંકડો નિર્દોષ લોકોનો ભોગ લે છે. ખાસ કરીને ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને ખુલ્લા મેદાનમાં રહેલા શ્રમિકો માટે આ એક જીવલેણ જોખમ હોય છે. પરંતુ હવે વિજ્ઞાને આ કુદરતી આફત સામે લડવાનું હથિયાર શોધી કાઢ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અને પુણે સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિયોરોલોજી (IITM) એ સંયુક્ત રીતે 'દામિની' (DAMINI) નામની એક અદભૂત મોબાઈલ એપ વિકસાવી છે, જે વીજળી પડવાના 40 મિનિટ પહેલા ચેતવણી આપે છે.
દામિની એપ કેવી રીતે કામ કરે છે?
આ એપ સેન્સર અને જીપીએસ (GPS) ટેકનોલોજી પર આધારિત છે. તે સમગ્ર ભારતમાં વીજળીની ગતિવિધિઓ પર સતત નજર રાખે છે. જો તમારા વર્તમાન લોકેશનથી 20 થી 40 કિલોમીટરની ત્રિજ્યામાં વીજળી પડવાની સંભાવના જણાય, તો આ એપ તુરંત તમારા ફોન પર એલર્ટ મોકલે છે. આ 40 મિનિટનો સમય કોઈ પણ વ્યક્તિ માટે સુરક્ષિત સ્થળે આશરો લેવા માટે પૂરતો છે.
