પશ્ચિમ એશિયામાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલું ઈરાન યુદ્ધ હવે માત્ર બે દેશો વચ્ચેનો સંઘર્ષ મટીને વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચેના વૈચારિક મડાગાંઠમાં ફેરવાઈ ગયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ઈરાન પર સૈન્ય દબાણ વધારી રહ્યા છે, ત્યારે તેમના સૌથી નજીકના સાથી ગણાતા બ્રિટને આ યુદ્ધમાં જોડાવાનો સાફ ઇનકાર કરી દીધો છે. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરનું આ નિવેદન ટ્રમ્પ વહીવટીતંત્ર માટે મોટો આંચકો માનવામાં આવે છે.

બ્રિટનનો 'શાંતિ' મંત્ર અને હોર્મુઝ સમિટ

વડા પ્રધાન કીર સ્ટાર્મરે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે બ્રિટન કોઈ પણ સંજોગોમાં ઈરાન સામેના સૈન્ય અભિયાનમાં સામેલ થશે નહીં. તેમણે કહ્યું કે, ભલે ગમે તેટલું દબાણ હોય, મારા નિર્ણયો બ્રિટનના નાગરિકોના હિતમાં જ હશે. આ આપણું યુદ્ધ નથી. યુદ્ધમાં જોડાવાને બદલે બ્રિટને 'ગ્લોબલ હોર્મુઝ સમિટ'નું આયોજન કરવાની દરખાસ્ત મૂકી છે. આ સમિટનો મુખ્ય હેતુ વિશ્વના 20% તેલ પુરવઠા માટે જવાબદાર હોર્મુઝ સ્ટ્રેટને મુત્સદ્દીગીરી દ્વારા ફરીથી ખોલાવવાનો છે.

ટ્રમ્પ અને નાટો વચ્ચે તિરાડ

બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પ નાટો (NATO) દેશોના વલણથી અત્યંત નારાજ દેખાઈ રહ્યા છે. અમેરિકા ઈચ્છતું હતું કે નાટો દેશો તેમના યુદ્ધ જહાજો હોર્મુઝમાં મોકલે, પરંતુ મોટાભાગના દેશોએ પીછેહઠ કરી છે. આના જવાબમાં ટ્રમ્પે નાટોને 'કાગળનો વાઘ' ગણાવીને તેમાંથી ખસી જવાની ધમકી આપી છે. ટ્રમ્પનું માનવું છે કે ઈરાન સાથેની શરતો ત્યારે જ મનાવી શકાશે જો સૈન્ય તાકાતનો ઉપયોગ કરવામાં આવે, પરંતુ યુરોપિયન દેશો આનાથી ઉલટું વિચારી રહ્યા છે.