જમ્મુ-કાશ્મીરના કુલગામમાં CRPF જવાનો પર થયેલા હુમલાનો CCTV વીડિયો સામે આવતાં સુરક્ષાની સ્થિતિ ફરી ચર્ચામાં આવી છે. વીડિયોમાં અચાનક ગોળીબારનો અવાજ સંભળાય છે અને થોડી જ ક્ષણોમાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જાય છે. અહેવાલો અનુસાર, હુમલાની શરૂઆતની 15 સેકન્ડમાં જ લગભગ 30 ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ હુમલામાં ત્રણ CRPF જવાન ઘાયલ થયા છે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ સ્પષ્ટ કહ્યું છે કે આતંકીઓ સામે કાર્યવાહી કરવા માટે સુરક્ષા દળોને ખુલ્લી છૂટ આપવામાં આવી છે.
બાઇક પર આવેલા હુમલાખોરોએ અચાનક ગોળીબાર કર્યો
આ હુમલો બુધવારે બપોરે લગભગ 2:15 વાગ્યે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના મીર બજાર નજીક આવેલા અખરાન વિસ્તારમાં થયો હતો. અહીં CRPFના જવાનો નાકા પર તૈનાત હતા. આ દરમિયાન મોટરસાઇકલ પર આવેલા બે હુમલાખોરોએ જવાનો પર અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. CCTV ફૂટેજમાં જવાનોની હિલચાલ દેખાય છે. ત્યારબાદ અચાનક ગોળીઓના અવાજ સંભળાય છે અને જવાનો વચ્ચે દોડધામ શરૂ થાય છે. હુમલાની શરૂઆતની 15 સેકન્ડમાં લગભગ 30 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. ત્યારબાદના એક મિનિટમાં પણ અનેક ગોળીઓ ચલાવવામાં આવી હતી. CRPFના જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.
https://x.com/AdityaRajKaul/status/2120477921299308772?a=7LJOFRrjv_ZXM-FnIKE&s=20
ત્રણ જવાન ઘાયલ, એકની હાલત ગંભીર
હુમલામાં CRPFના ત્રણ જવાન ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે અનંતનાગની સરકારી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા હતા. ઘાયલ જવાનોમાં હેડ કોન્સ્ટેબલ સોનબીર સિંહ, કોન્સ્ટેબલ રાકેશ દાસ અને કોન્સ્ટેબલ સંતોષ ચંદ્રુનો સમાવેશ થાય છે. મનોજ સિન્હાએ શ્રીનગરની બેઝ હોસ્પિટલની મુલાકાત લઈને ગંભીર રીતે ઘાયલ હેડ કોન્સ્ટેબલ સોનબીર સિંહના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે અન્ય બે જવાન રાકેશ દાસ અને સંતોષ ચંદ્રુની હાલત સ્થિર છે અને તેઓ કુલગામની 46મી બટાલિયનની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મનોજ સિન્હાની ચેતવણી: આતંકીઓ સામે ખુલ્લી છૂટ
હુમલા બાદ ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કડક વલણ અપનાવ્યું હતું. તેમણે આ ઘટનાને કાયરતાપૂર્ણ આતંકવાદી કૃત્ય ગણાવીને તેની નિંદા કરી હતી. સાથે જ જવાબદારોને શોધીને ન્યાયના કઠેડામાં લાવવાની ખાતરી આપી હતી. મનોજ સિન્હાએ કહ્યું કે આતંકીઓ સામે કાર્યવાહી કરવા માટે સુરક્ષા દળોને ખુલ્લી છૂટ આપવામાં આવી છે. તેમણે ઘાયલ જવાનોની ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી. હુમલા બાદ તેમણે શ્રીનગરમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીને સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી.
હુમલાખોરોની શોધ માટે મોટું સર્ચ ઓપરેશન
હુમલા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. વધારાની સુરક્ષા ટુકડીઓ પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હુમલાની તપાસ કરી રહી છે. હુમલાખોરો ગોળીબાર કર્યા બાદ મોટરસાઇકલ પર ફરાર થઈ ગયા હતા. હવે CCTV ફૂટેજ અને ઘટનાસ્થળેથી મળેલા પુરાવાના આધારે તેમની ઓળખ અને હુમલા પાછળના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: Flight Hijack: ઉડાન પહેલાં જ વિમાન હાઇજેક કરવાની ધમકી! 105 મુસાફરોને ઉતાર્યા, પછી શું થયું?