કેન્દ્ર સરકારે CBIના વર્તમાન ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ વધુ એક વર્ષ માટે વધારી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય પસંદગી સમિતિએ તેમને આ સેવા વિસ્તરણ આપવાનો નિર્ણય લીધો. આ પહેલા પણ પ્રવીણ સૂદને એક વર્ષનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું અને હવે તેઓ મે 2027 સુધી CBI ડિરેક્ટર તરીકે કાર્યરત રહેશે.
https://twitter.com/ANI/status/2054592904010895735
2023માં પદ સંભાળ્યું હતું
કેન્દ્ર સરકારે બુધવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. પ્રવીણ સૂદે 25 મે 2023ના રોજ બે વર્ષના કાર્યકાળ માટે CBI ડિરેક્ટર તરીકે પદભાર સંભાળ્યો હતો. ત્યારબાદ મે 2025માં તેમને પ્રથમ વખત એક વર્ષનું સેવા વિસ્તરણ આપવામાં આવ્યું હતું. હવે ફરી એકવાર તેમનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે. સરકારના નિવેદન મુજબ, આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી પસંદગી સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ સમિતિમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ સામેલ હતા.
સમિતિની ભલામણના આધારે નિયુક્તિઓ માટેની મંત્રીમંડળ સમિતિ (ACC)એ એક વર્ષના વિસ્તરણને મંજૂરી આપી. બીજી તરફ, બેઠક બાદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે તેઓ રબર સ્ટેમ્પ નથી. તેમણે આ પ્રક્રિયાને પક્ષપાતપૂર્ણ ગણાવી અને કહ્યું કે સરકાર તપાસ એજન્સીઓનો ઉપયોગ વિરોધ પક્ષના નેતાઓ, પત્રકારો અને ટીકાકારોને નિશાન બનાવવા માટે કરી રહી છે.
કોણ છે પ્રવીણ સૂદ?
પ્રવીણ સૂદ 1986 બેચના કર્ણાટક કેડરના IPS અધિકારી છે. CBI ડિરેક્ટર બનતા પહેલા તેઓ કર્ણાટકના પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે સેવા આપી રહ્યા હતા. તેમનો જન્મ 1964માં હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં થયો હતો. તેમણે IIT દિલ્હીમાંથી સિવિલ એન્જિનિયરિંગનું શિક્ષણ મેળવ્યું છે. ઉપરાંત IIM બેંગલુરુ અને અમેરિકાની Syracuse Universityના Maxwell School of Governanceમાંથી પણ ઉચ્ચ અભ્યાસ કર્યો છે. પ્રવીણ સૂદે અનેક હાઈ-પ્રોફાઇલ કેસોની તપાસનું નેતૃત્વ કર્યું છે. ટેકનોલોજી પ્રત્યે રસ ધરાવતા સૂદે કર્ણાટકમાં CCTNS અને ICJS જેવી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને મજબૂત બનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો : Delhi Weather : રાજધાનીમાં વાતાવરણ બદલાયું, ઠંડા પવનો સાથે વરસ્યો વરસાદ