ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવ અટકાવવા માટે જાહેર કરાયેલા વિવાદાસ્પદ યુજીસી (UGC) નિયમો અંગે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે સુપ્રીમ કોર્ટને સત્તાવાર માહિતી આપી છે કે તે આ વિવાદાસ્પદ નિયમો પર પુનર્વિચાર કરી રહી છે અને તેની સમગ્ર નીતિની સમીક્ષા કરવા માટે એક વિશેષ સમિતિ બનાવી રહી છે.

સુપ્રીમ કોર્ટે કામચલાઉ લગાવી રોક

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સર્વોચ્ચ અદાલતને ખાતરી આપી હતી કે સમિતિ તમામ વર્ગના વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે જેથી કોઈ પણ વિદ્યાર્થી ભેદભાવ કે અસુરક્ષા અનુભવે નહીં. આ મામલે મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાન્તે પણ ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે દેશની યુવા પેઢીના ભવિષ્ય અને દરેક વિદ્યાર્થીના હિતોનું રક્ષણ કરવું એ પ્રાથમિકતા છે. નોંધનીય છે કે અગાઉની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આ નિયમોની અસ્પષ્ટ ભાષા અને દુરુપયોગની શક્યતાઓને ધ્યાનમાં રાખીને તેના અમલીકરણ પર કામચલાઉ રોક લગાવી દીધી હતી.

કેમ શરૂ થયો આ વિવાદ?

અગાઉ રોહિત વેમુલા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કોલેજો અને યુનિવર્સિટીઓમાં જાતિવાદ દૂર કરવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા બનાવવા નિર્દેશ આપ્યો હતો. તેના આધારે UGC એ નવા નિયમો જારી કરીને દરેક શૈક્ષણિક સંસ્થામાં 'ઇક્વાલિટી કમિટી' (સમાનતા સમિતિ) બનાવવી ફરજિયાત કરી હતી. આ કમિટીમાં SC, ST અને OBC સમુદાયના પ્રતિનિધિઓ હોવા ફરજિયાત કરાયા હતા અને આ વર્ગના વિદ્યાર્થીઓને જાતિગત ઉત્પીડનની ફરિયાદ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

જોકે, સામાન્ય શ્રેણી (General Category) ના વિદ્યાર્થીઓ અને પ્રતિનિધિઓએ આ નિયમો સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. અરજીકર્તાઓની મુખ્ય દલીલ હતી કે:

1. આ નિયમોમાં ભેદભાવની વ્યાખ્યા એવી રીતે કરવામાં આવી છે જાણે જાતિવાદ માત્ર SC, ST અને OBC સામે જ થાય છે, જે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

2. સમાનતા સમિતિમાં ઉચ્ચ જાતિના પ્રતિનિધિઓ હોવા અંગે કોઈ ફરજિયાત જોગવાઈ રાખવામાં આવી ન હતી.

3. જૂના નિયમોમાં ખોટી કે નકલી ફરિયાદ કરનાર સામે કાનૂની કાર્યવાહીની જોગવાઈ હતી, જેને UGC એ આ નવા નિયમોમાંથી હટાવી દીધી હતી.

આ પણ વાંચોઃ હવે આધારકાર્ડથી નહીં મળે સરકારી યોજનાઓના પૈસા, બાયોમેટ્રિક અને વોટર IDથી થશે ઓળખ