આઝાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભા સાંસદ ચંદ્રશેખર આઝાદને નજરકેદ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. નજરકેદના વિરોધમાં ચંદ્રશેખરના સમર્થકોએ કરચના વિસ્તારમાં હોબાળો મચાવ્યો હતો. સમર્થકોએ પોલીસ વાહનોમાં તોડફોડ કરી હતી. અને SDMની કારને પણ નિશાન બનાવવામાં આવી હતી. ચંદ્રશેખરને કરચનાના ઇટૌસી ગામ જવું પડ્યું હતુ. જ્યાં થોડા દિવસ પહેલા ઇટૌસીમાં દલિત યુવાનનું મોત થયું હતું.
કૌશામ્બીમાં સગીરા સાથે દુષ્કર્મ
ચંદ્રશેખર આઝાદે કહ્યુ હતુ કે, તે કૌશામ્બી ગામમાં પાલ સમુદાયની સગીરાના પરિવારના સભ્યોને મળવા જઈ રહ્યા હતા. જ્યાં 27 મેના રોજ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ. પોલીસના જણાવ્યા મુજબ જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, ચંદ્રશેખર જે ગામમાં જઈ રહ્યા હતા ત્યાં મોટી ભીડ એકત્ર હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. તેથી તેમને રોકવામાં આવ્યા હતા. પ્રતાપગઢની SIT આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. જેનું નિરીક્ષણ ખુદ પ્રયાગરાજ IG કરી રહ્યા છે. કૌશામ્બીમાં પાલ સમુદાયની સગીરા સાથે થયેલા દુષ્કર્મ કેસમાં રાજકારણ વધુ ગરમાયું છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ પછી, હવે ભીમ આર્મીના વડા અને નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદ પણ રવિવારે પીડિતાના પરિવારને મળવા પ્રયાગરાજ પહોંચ્યા હતા. પરંતુ વહીવટીતંત્રે તેમને કૌશામ્બી જવાની મંજૂરી આપી ન હતી. કાયદો અને વ્યવસ્થાનો હવાલો આપીને તેમને સર્કિટ હાઉસ મોકલી દેવામાં આવ્યા હતા.
ચંદ્રશેખર આઝાદની પ્રતિક્રિયા
સાંસદે જણાવ્યુ હતુ કે, સરકારના નિર્દેશ પર, વહીવટીતંત્ર તેમને પીડિતાને મળવાની મંજૂરી આપી રહ્યું નથી. વહીવટીતંત્રની કડકતાને ધ્યાનમાં રાખીને, સર્કિટ હાઉસની બહાર ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓ ચંદ્રશેખરને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તેઓ તેમની માંગણીઓ પર અડગ છે. ચંદ્રશેખર આઝાદ કહે છે કે જો આપણે પીડિતાને મળી શકતા નથી તો કોને મળીશું.