ઉત્તરકાશીમાં કુદરતે પોતાનું જે વિકરાળ સ્વરૂપ બતાવ્યુ છે. તેને જોતા કોઇપણ હચમચી શકે છે. ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટતા મોટા પાયે નુકસાન થયુ છે. અને અનેક લોકો ગુમ થયા છે. તો મૃત્યુઆંક પણ વધતો દેખાઇ રહ્યો છે. આ બધાની વચ્ચે કરુણ ઘટના એ છે કે, 35 વર્ષ બાદ 24 મિત્ર ધોરણ 10 પછી ફરી મળવા માટે અહીં એકત્ર થયા હતા. અને હાલ તેમનો કોઇ પત્તો નથી.
24 મિત્રો સંપર્ક વિહોણા
રિયુનિયન માટે આવેલા 24 મિત્રો ઉત્તરકાશીમાં ગુમ થયા છે. વાદળ ફાટવાની ઘટનામાં આ 24 મિત્રોનો કોઇ પત્તો લાગી રહ્યો નથી. કહેવાય છે કે, નિયતીમાં જે લખાયેલું છે તે થઇને જ રહેશે. 35 વર્ષ બાદના રિયુનિયન માટે આ 24 મિત્રોએ ઉત્તરકાશીનું સ્થળ પસંદ કર્યુ હતુ. પરંતુ અહીં તેમના વિધિના વિધાન કઇંક અલગ જ લખાયા હતા. મહારાષ્ટ્રના પુણેથી લગભગ 60 કિમી દૂર સ્થિત મંચરના એક નાના ગામમાં વર્ષ 1990માં ધોરણ-10માં સાથે ભણતા 24 સહપાઠીઓએ રિયુનિયન માટે યોજના બનાવી હતી. તેઓ 35 વર્ષ બાદ ફરી મળી રહ્યા હતા. સૌ કોઇ મિત્રોને મળવા માટે ઉત્સાહી હતા. પરંતુ કોઇ એ વાત જાણતુ ન હતુ કે તેઓ 35 વર્ષ બાદ મળશે અને એક જ ઝટકામાં ફરી અલગ થઇ જશે. ઉત્તરાકાશીમાં ફાટેલા વાદળના કારણે મોટી ત્રાસદી સર્જાઇ છે.
તંત્રે શું કહ્યુ ?
તંત્રના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રથી આવેલા 150 જેટલા પ્રવાસીઓ હાલ અહીં ફસાયા છે. તંત્રે વધુમાં કહ્યુ હતુ કે, ચારધામની યાત્રા માટે 24 મિત્રો એકસાથે નિકળ્યા હતા. 1 ઓગષ્ટથી લઇને 12 ઓગષ્ટ સુધી આ 24 મિત્રો ચારધામ ફરવા આવ્યા હતા. આ પ્રવાસીઓમાંથી એક વ્યક્તિએ પોતાના પુત્ર સાથે સોમવારે સાંજે ફોન પર વાત કરી હતી. જ્યારે તેઓ ગંગોત્રીથી 10 કિમી દૂર લેન્ડસ્લાઇડમાં ફસાયા હતા. બસ ત્યાર બાદ કોઇ સંપર્ક સાધવામાં આવ્યો ન હતો.
સંપર્ક માટે પ્રયાસ શરુ
પુણેના એક સહપાઠીએ જણાવ્યુ હતુ કે, વીડિયો કોલ દ્વારા અંતિમ વખત વાતચીત થઇ હતી. 5 ઓગષ્ટ દરમિયાન તેઓ ઉત્તરકાશીમાં રોકાયા હતા. અને 6 તારીખે તેઓ ગૌરીકુંડ જવાના હતા. બચાવકાર્યમાં રોકાયેલા અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્રના 150 પ્રવાસીઓ હતા. જેમાંથી 75 લોકો સાથે કોઇ સંપર્ક થઇ શક્યો નથી. ફોનના નેટવર્ક બંધ છે. રાહત કાર્ય પુરજોશમાં શરુ છે.