ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રાની રાહ જોઈ રહેલા લાખો શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શુક્રવાર, 6 માર્ચથી યાત્રા માટેની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા સવારના 7 વાગ્યાથી સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડ પ્રવાસન વિભાગે આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

નોંધણી કઈ રીતે કરશો?

યાત્રાએ જવા ઈચ્છતા ભક્તો પ્રવાસન વિભાગની સત્તાવાર વેબસાઇટ registrationandtouristcare.uk.gov.in અથવા 'TouristCare Uttarakhand' મોબાઈલ એપ દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. ભારતીય યાત્રાળુઓ માટે આધાર કાર્ડ ફરજિયાત છે, જ્યારે વિદેશી પ્રવાસીઓ તેમના ઈમેલ આઈડી દ્વારા નોંધણી કરાવી શકશે. જે લોકો ઓનલાઈન ફોર્મ ભરી શકતા નથી, તેમના માટે 17 એપ્રિલથી ઋષિકેશ, હરિદ્વાર અને વિકાસનગર ખાતે ઓફલાઈન કાઉન્ટર્સ પણ શરૂ કરવામાં આવશે.

ચારધામ યાત્રાનો વિધિવત પ્રારંભ 19 એપ્રિલથી થશે

પર્યટન સચિવ ધીરજ ગરબ્યાલના જણાવ્યા અનુસાર, ચારધામ યાત્રાનો વિધિવત પ્રારંભ 19 એપ્રિલથી થશે. ભક્તો માટે આસ્થાના કેન્દ્ર સમાન કેદારનાથ ધામના દ્વાર 22 એપ્રિલે અને બદ્રીનાથ ધામના દ્વાર 23 એપ્રિલે ખોલવામાં આવશે. યાત્રા દરમિયાન કોઈપણ મુશ્કેલીના નિવારણ માટે વહીવટીતંત્ર દ્વારા 24 કલાક કાર્યરત ટોલ-ફ્રી નંબર 0135-1364 જાહેર કરવામાં આવ્યો છે.

દરેક યાત્રી માટે નોંધણી કરાવવી ફરજિયાત

વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે દરેક યાત્રી માટે નોંધણી કરાવવી ફરજિયાત છે. આ વર્ષે પણ વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતાને જોતા ટ્રાન્ઝિટ કેમ્પ અને હરિદ્વારના ઋષિકુલ ગ્રાઉન્ડ ખાતે ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે.

  • Follow us on: