વૈશ્વિક સ્તરે તેલના બજારમાં અત્યારે ભારે અફરાતફરીનો માહોલ છે. એક તરફ ઈરાન અને તેની આસપાસના વિસ્તારોમાં યુદ્ધ જેવી સ્થિતિને કારણે તેલના પુરવઠા પર જોખમ ઉભું થયું છે, ત્યારે બીજી તરફ અમેરિકાએ એક આશ્ચર્યજનક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વોશિંગ્ટને ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે 30 દિવસની કામચલાઉ છૂટ આપી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે રશિયન તેલના અનેક જહાજો છેલ્લા કેટલાક સમયથી સમુદ્રમાં અટવાયેલા હતા.


શા માટે રશિયન ટેન્કરો ફસાયા હતા?

યુક્રેન સાથેના યુદ્ધ બાદ પશ્ચિમી દેશો અને અમેરિકાએ રશિયાના ઊર્જા ક્ષેત્ર પર કડક પ્રતિબંધો લાદ્યા હતા. આ પ્રતિબંધોને કારણે રશિયન તેલ લઈ જતા જહાજો માટે વીમો મેળવવો, ચૂકવણી કરવી અને બંદર પર એન્ટ્રી મેળવવી મુશ્કેલ બની ગઈ હતી. અમેરિકાએ રશિયન તેલના વહન સાથે સંકળાયેલી કેટલીક શિપિંગ કંપનીઓ પર પણ પ્રતિબંધ મુક્યો હતો. પરિણામે, ભારતીય રિફાઇનરીઓએ સાવચેતીના ભાગરૂપે આ તેલ સ્વીકારવાનું બંધ કર્યું હતું, જેના કારણે લાખો બેરલ તેલ દરિયામાં અધ્ધરતાલ હતું.

અમેરિકાની છૂટ અને ભારતની રણનીતિ

રોઇટર્સના અહેવાલ મુજબ, અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે હાલના પ્રતિબંધો હોવા છતાં, તેલના શિપમેન્ટને આગળ વધવા દેવા માટે આ 30 દિવસની વિન્ડો આપવામાં આવી છે. આ પગલા પાછળનું મુખ્ય કારણ ઈરાન યુદ્ધને લીધે વૈશ્વિક બજારમાં તેલની કિંમતોમાં થતો તોતિંગ વધારો અટકાવવાનું છે. જો રશિયન તેલ બજારમાં નહીં આવે, તો તેલના ભાવ આસમાને પહોંચી શકે છે, જેની અસર અમેરિકા સહિત સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પડી શકે છે.

ભારતીય રિફાઇનરીઓની સક્રિયતા

આ છૂટ મળતા જ ભારતની સરકારી ઓઇલ કંપનીઓ જેવી કે IOC, BPCL અને HPCL ફરી સક્રિય થઈ છે. અહેવાલો અનુસાર, ભારતીય રિફાઇનરીઓએ વેપારીઓ પાસેથી આશરે 20 મિલિયન બેરલ રશિયન તેલ ખરીદવા માટે વાટાઘાટો તેજ કરી છે. HPCL અને MRPL જેવી કંપનીઓ, જેમને છેલ્લે નવેમ્બરમાં રશિયન શિપમેન્ટ મળ્યું હતું, તેઓ હવે ફરીથી પુરવઠો મેળવવાની તૈયારીમાં છે. આમ, 30 દિવસની આ છૂટ ભારત માટે મોંઘવારી ઘટાડવામાં અને ઈરાન યુદ્ધ દરમિયાન ઉર્જા સંકટને ટાળવામાં અત્યંત નિર્ણાયક સાબિત થશે.

આ પણ વાંચોઃ World News: મોજતબાનું નેતૃત્વ અમને સ્વીકાર્ય નહીં, ઈરાનના નેતાની પસંદગીમાં મારી ભૂમિકા જરૂરીઃ ડોનાલ્ડ ટ્રમ્પ

  • Follow us on: