ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાની રહેવાસી અને 7 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી 23 વર્ષની જાણીતી યુટ્યુબર છવિ વાર્ષ્ણેયનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. આ અકસ્માતમાં તેમની 50 વર્ષની માતા સારિકાનું પણ મોત થયું છે. અકસ્માત મંગળવારે મધ્ય પ્રદેશમાં થયો હતો. આજે તેમનો મૃતદેહ હાથરસના મહૌખાસ ગામમાં લાવવામાં આવશે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મધ્ય પ્રદેશમાં દર્દનાક માર્ગ અકસ્માત
આ અકસ્માત ઉજ્જૈન-ગરોઠ ફોરલેન પર રામાખેડી ગામ પાસે થયો હતો. પરિવાર કારમાં ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા જઈ રહ્યો હતો, ત્યારે તેમની કાર આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં છવિના પિતા શ્યામલાલ, સમધી સૂરજપાલ અને ડ્રાઇવર સચિન ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ આગર મોકલવામાં આવ્યા છે.

અકસમાતમાં માતા-પુત્રીનું મોત
મળતી માહિતી પ્રમાણે, સોમવારે મોડી રાત્રે છવિ પોતાના પિતા, માતા, સમધી અને ડ્રાઇવર સચિન સાથે કારમાં ઉજ્જૈન મહાકાલ મંદિરમાં દર્શન કરવા નીકળી હતી. રસ્તામાં રામાખેડી ગામ પાસે તેમની કાર આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો હતો. છવિ અને તેમની માતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એનએચએઆઈની એમ્બ્યુલન્સ દ્વારા બંનેના મૃતદેહ બડોદની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
https://www.instagram.com/p/DOi5H1akS3P/?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==
પોલીસે શરૂ કરી અકસ્માતની તપાસ
ઘટનાની જાણ થતાં જ બડોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી. બડોદ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર વિજેન્દ્ર ચૂડિહારે ઘાયલોને પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ ઘાયલોની ગંભીર સ્થિતિને જોતા તેમને જિલ્લા હોસ્પિટલ આગર મોકલવામાં આવ્યા હતા. પોલીસે માતા-પુત્રીના મૃતદેહ કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતી ઇન્ફ્લુએન્સર
છવિના પિતરાઈ ભાઈ સચિને જણાવ્યું કે તે અભ્યાસમાં ખૂબ હોશિયાર હતી અને ગ્રેજ્યુએશન સુધી ભણેલી હતી. તેણે 2021માં યુટ્યુબ ચેનલ બનાવીને ડેઇલી લાઇફ વ્લોગ્સ અને ઓનલાઇન ગેમિંગના વીડિયો મૂકવાનું શરૂ કર્યું હતું. તેના યુટ્યુબ પર 7 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ અને ઇન્સ્ટાગ્રામ પર 1 લાખથી વધુ ફોલોઅર્સ હતા. કરિયાણાની દુકાન ચલાવતા પિતા શ્યામલાલ અને પરિવાર હંમેશાં છવિના કામને પૂરો સહયોગ આપતા હતા.
આ પણ વાંચો-Shubman Gillની બહેન શહનીલે રિયાલિટી શો ટ્રેટર્સ પર ઉઠાવ્યા ગંભીર સવાલો, પારુલ ગુલાટીએ કહ્યું- 'હું નિર્દોષ છું'!