ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા 'ચિકન નેક' એટલે કે સિલિગુડી કોરિડોરમાં ચોથી રેલવે લાઈન લગાવવાની મંજૂરી મળી છે. આ સંકરું ભૂમિ ક્ષેત્ર દેશના બાકીના ભાગોને પૂર્વોત્તર રાજ્યો સાથે જોડે છે. આ જ માર્ગે આસામ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ સહિત અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં રેલ અને માર્ગ કનેક્ટિવિટી થાય છે.
29 કિલોમીટરનો ડબલ અંડરગ્રાઉન્ડ રેલવે પ્રોજેક્ટ હાથ ધરાશે
પૂર્વોત્તર સીમા રેલવેના મહાપ્રબંધક ચેતન કુમાર શ્રીવાસ્તવે કટિહાર રેલવે ડિવિઝન કચેરીમાં જણાવ્યું હતું કે માલદા-ન્યૂ જલપાઈગુડી રેલવે સેક્શન સમગ્ર પૂર્વોત્તરને દેશના અન્ય ભાગો સાથે જોડતો મહત્વપૂર્ણ રેલ કોરિડોર છે. અગાઉ આ માર્ગ માટે ત્રીજી રેલવે લાઈનનો પ્રસ્તાવ હતો, પરંતુ હવે ચોથી લાઈનને પણ મંજૂરી મળી છે. આ ઉપરાંત તિનમાઈ ઘાટથી બાગડોગરા વચ્ચે આશરે 29 કિલોમીટરની ડબલ અંડરગ્રાઉન્ડ રેલવે પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ સમગ્ર રેલ કોરિડોરની ક્ષમતા વધશે અને મુસાફરો તથા માલ પરિવહનને મોટો લાભ મળશે.
