બેંગલુરુની જાણીતી સ્પેસ સર્વેલન્સ કંપની ડિગંતરા દ્વારા જારી કરાયેલા અહેવાલમાં મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. ઓપરેશન સિંદૂર વખતે દુશ્મન દેશો દ્વારા ભારત વિરુદ્ધ અવકાશી જાસૂસી હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને ગુજરાતના સરહદી અને દરિયાઈ વિસ્તારો નિશાન પર રહ્યા હતા.ચીનની ત્રણ અત્યાધુનિક જાસૂસી સેટેલાઇટ સતત ગુજરાતના દરિયાકાંઠે સક્રિય રહીને ચાંપતી નજર રાખી રહી હતી. ભારતીય સૈન્ય અને નૌકાદળની તમામ હિલચાલો તથા દરિયાઈ ક્ષેત્રમાં તેમની સંરક્ષણ કામગીરીની સઘન માહિતી મેળવવા માટે ચીને અવકાશમાંથી જાળ બિછાવી હતી. સરહદ નજીક આવેલા ભુજ અને નલિયા એરબેઝની વ્યૂહાત્મક સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી હતી.
નૌકાદળની અવરજવર ટ્રેક કરવામાં આવી રહી હતી
આ ઉપરાંત જામનગર વિસ્તારના મહત્વપૂર્ણ સૈન્ય થાણાં અને દરિયાકાંઠે આવેલા રિલાયન્સ રિફાઇનરી સંકુલ પર પણ ચીનનું સંભવિત જોખમ તોળાતું જોવા મળ્યું હતું. દેશના આર્થિક અને લશ્કરી દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા એરબેઝ અને નૌકાદળનાં મુખ્ય મથકોને ચીની ઉપગ્રહોએ પોતાના રડારમાં લીધા હતા. ડિગંતરાના ટેકનિકલ રિપોર્ટની વિગતો દર્શાવે છે કે ચીનની Ningxia-14, Gaofen-11 અને Yaogan-30 નામની ત્રણ સેટેલાઇટ ગુજરાત પર સતત કેન્દ્રિત રહી હતી. તારીખ 10 અને 11 મેના રોજ આ ત્રણેય ઉપગ્રહોએ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત રાખીને ડેટા એકત્રિત કર્યો હતો. આ ઉપગ્રહોની મદદથી ભારતીય સૈન્યની મહત્વની સરહદી ગતિવિધિઓ અને નૌકાદળની અવરજવર ટ્રેક કરવામાં આવી રહી હતી.
