ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને INDIA ગઠબંધનના પ્રતિનિધિમંડળને મળવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. રાહુલ ગાંધીએ ૧૧ ઓક્ટોબરના રોજ ઈમેલ મોકલીને મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે ચર્ચા કરવા માટે સોમવારે CJI પાસે સમય માગ્યો હતો. 'લાઈવ લો' ના રિપોર્ટ અનુસાર, CJI એ રાહુલ ગાંધીના સત્તાવાર ઈમેલનો સત્તાવાર જવાબ આપતા આ બેઠક ફગાવી દીધી છે.

CJI એ બેઠક ના મંજૂર કરવા પાછળ શું કારણ આપ્યું?

CJI સૂર્યકાંતે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અને વિપક્ષી નેતાઓ જે મુદ્દાઓ પર તેમની સાથે ચર્ચા કરવા માંગે છે, તે વિષય પહેલાથી જ સુપ્રીમ કોર્ટ સમક્ષ વિચારાધીન (Sub-judice) છે. જ્યારે કોઈ કેસ કોર્ટની ન્યાયિક પ્રક્રિયા હેઠળ પેન્ડિંગ હોય, ત્યારે તે વિષય પર કોઈ એક પક્ષ સાથે આવી અલગથી વ્યક્તિગત કે બંધબારણે બેઠક કરવી ન્યાયિક મર્યાદા અને સિદ્ધાંતો અનુસાર યોગ્ય રહેશે નહીં.

રાહુલ ગાંધીના પત્રનો પ્રત્યુત્તર આપ્યો

CJI એ સ્પષ્ટતા કરી હતી કે આ મામલો પહેલેથી જ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન (Sub-judice) હોવાથી અલગ બેઠક કરવી યોગ્ય નથી. જોકે, તેમણે જણાવ્યું હતું કે દરેક નાગરિક અથવા પક્ષને કાયદાનુસાર સુપ્રીમ કોર્ટમાં આવવાનો અને અરજી કરવાનો સંપૂર્ણ અધિકાર છે. CJI એ પોતાના જવાબમાં ઉમેર્યું કે તેમણે રાહુલ ગાંધીના પત્રનો પ્રત્યુત્તર આપીને બેઠક યોજવામાં પોતાની અસમર્થતા વ્યક્ત કરી છે.

વિપક્ષ કઈ માંગણીઓ સાથે મુલાકાત કરવા માંગતો હતો?

અગાઉ રવિવારે રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી કે વિપક્ષી પક્ષો સોમવારે સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ કરશે અને CJI ને એક આવેદનપત્ર (મેમોરેન્ડમ) સોંપશે. આ મેમોરેન્ડમમાં SIR ની આખી પ્રક્રિયા તાત્કાલિક પાછી ખેંચવાની અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની મુખ્ય માંગણીઓ શામેલ હતી.

ઉલ્લેખનીય છે કે મે ૨૦૨૬ માં CJI ની આગેવાની હેઠળની બેન્ચે SIR પ્રક્રિયા ચલાવવા માટેની ચૂંટણી પંચની બંધારણીય સત્તાને સમર્થન આપ્યું હતું. ઉપરાંત, મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા અન્ય કમિશનરોની સંમતિ વિના નિર્ણયો લેવાના આરોપો સાથે જોડાયેલી અરજીઓ પણ હાલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

શું વિપક્ષ પાસે અન્ય કોઈ વિકલ્પ છે?

મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું કે સુપ્રીમ કોર્ટ સરકાર કે ચૂંટણી પંચ જેવા બંધારણીય સંસ્થાઓના વહીવટી કાર્યમાં સીધી દખલગીરી કરી શકતી નથી. જોકે, જો વિપક્ષી નેતાઓને લાગે છે કે તેમના કે નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે, તો તેઓ નિયમાનુસાર સુપ્રીમ કોર્ટમાં પોતાની અરજી કે પિટિશન દાખલ કરી શકે છે. જો વિપક્ષ દ્વારા આવી કોઈ અરજી દાખલ કરવામાં આવશે, તો કોર્ટ SIR સંબંધિત અન્ય ચાલતી અરજીઓની સાથે મંગળવારે તેની પર સુનાવણી કરી શકે છે.

આ પણ વાંચોઃ Petrol Diesel Price Today:પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 મોંઘું! શું તમારાં શહેરનો રેટ પણ વધ્યો?