ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતે લોકશાહી અને બંધારણીય સંસ્થાઓની ભૂમિકા અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે લોકશાહીમાં નાગરિકોને બંધારણીય સંસ્થાઓના નિર્ણયો સામે ટીકા કરવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ કોઈ નિર્ણયના આધારે આખી સંસ્થાને નિશાન બનાવવી યોગ્ય નથી. તેમણે નિર્ણયની ટીકા અને સંસ્થા પર સવાલ ઉઠાવવા વચ્ચેનો તફાવત સમજવાની પણ સલાહ આપી હતી.
બંધારણીય સંસ્થાઓને જ નિશાન બનાવવાથી બચવું જોઈએ
હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં હિમાચલ પ્રદેશ સેન્ટ્રલ યુનિવર્સિટીના 10મા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા CJI જસ્ટિસ સૂર્યકાંતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે લોકશાહીમાં નાગરિકોને બંધારણીય સંસ્થાઓના નિર્ણયો સામે અસંમતિ વ્યક્ત કરવાનો અને તેની ટીકા કરવાનો અધિકાર છે. જોકે, કોઈ નિર્ણય સાથે અસહમતિ હોય તો તેના આધારે આખી સંસ્થાને જ નિશાન બનાવવી જોઈએ નહીં.CJI સૂર્યકાંતે કહ્યું કે કોઈ સંસ્થાના નિર્ણય અને તે સંસ્થા વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. ઘણી વખત લોકો સંસ્થાના કોઈ એક નિર્ણયને લઈને સંસ્થા પર જ સવાલ ઉઠાવવા લાગે છે. આવી માનસિકતા લોકશાહીને મજબૂત બનાવતી સંસ્થાઓ પ્રત્યે સામાન્ય નાગરિકોના વિશ્વાસને નબળો પાડી શકે છે. લોકશાહીમાં અસંમતિ અને ટીકાને સ્થાન હોવું જોઈએ, પરંતુ સંસ્થાઓની વિશ્વસનીયતા જાળવવી પણ એટલી જ જરૂરી છે.
