કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ દિલ્હીમાં પાર્ટીની વોલન્ટિયર્સ મીટ માટે હોલ ન મળવાના મામલે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. દીપકેએ દાવો કર્યો છે કે તેમની પાર્ટીની બેઠક અટકાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને અંતે જે હોલ બુક કરવામાં આવ્યો હતો, તેના માલિકોને પણ ધમકી આપવામાં આવી હતી.
https://twitter.com/ANI/status/2087493702499647916
CJPની દિલ્હીમાં વોલન્ટિયર્સ મીટ યોજાવાની હતી
મીડિયા સાથેની વાતચીતમાં અભિજીત દીપકેએ જણાવ્યું કે CJPની દિલ્હીમાં વોલન્ટિયર્સ મીટ યોજાવાની હતી. આ માટે પાર્ટી દ્વારા હોલની શોધ કરવામાં આવી રહી હતી, પરંતુ અનેક સ્થળોએ હોલ ભાડે આપવા માટે સંચાલકો તૈયાર થયા નહોતા. તેમના જણાવ્યા મુજબ દરેક જગ્યાએ 'ઉપરથી દબાણ છે' એવું કહેવામાં આવ્યું હતું.
મંગળવારે સવારે હોલના માલિકોને ધમકી આપવામાં આવી
દીપકેએ વધુમાં દાવો કર્યો કે ઘણી મુશ્કેલી બાદ પાર્ટીએ એક હોલ બુક કર્યો હતો અને તેની રસીદ પણ તેમની પાસે છે. જોકે, તેમના આરોપ મુજબ મંગળવારે સવારે હોલના માલિકોને ધમકી આપવામાં આવી હતી. તેમણે એવો આક્ષેપ કર્યો કે જો CJPની બેઠક હોલમાં યોજવા દેવામાં આવશે તો ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપવામાં આવી હતી. દીપકેએ આ સમગ્ર મામલા પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. CJP નેતાએ કહ્યું કે આવી કાર્યવાહીથી ભાજપ યુવાનોના વિરોધથી ડરી રહ્યું હોવાનું સ્પષ્ટ થાય છે. તેમણે એમ પણ કહ્યું કે આવી ‘નાની-મોટી હરકતો’થી પાર્ટી કે તેના કાર્યકર્તાઓ ડરવાના નથી.
'જંતર-મંતર સીઝન-2' ક્યારે શરૂ થશે?
આ દરમિયાન દીપકેએ સોશિયલ મીડિયા પર CJPને લઈને પૂછાતા સવાલોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ઘણા લોકો ઇન્સ્ટાગ્રામ પર 'જંતર-મંતર સીઝન-2' ક્યારે શરૂ થશે તે અંગે પૂછે છે અને દાવો કર્યો કે તેની બીજી સીઝન ટૂંક સમયમાં શરૂ થશે. હાલ હોલ બુકિંગને લઈને દબાણ અને ધમકી આપવાના અભિજીત દીપકેના આરોપો પર ભાજપ તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
આ પણ વાંચો : FCRA Bill : વિપક્ષના ભારે વિરોધ વચ્ચે FCRA સુધારા બિલ JPCને સોંપાયું, અખિલેશ યાદવે કહ્યું 'અલ્પસંખ્યકોને નિશાન બનાવતું બિલ'