કેન્દ્ર સરકારે બુધવારે વિપક્ષના ભારે વિરોધ વચ્ચે 'વિદેશી અંશદાન (વિનિયમન) સુધારા બિલ, 2026' એટલે કે FCRA બિલને સંસદની સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને સોંપી દીધું છે. લોકસભામાં બિલને JPC પાસે મોકલવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને મંજૂરી મળી હતી. 31 સભ્યોની JPCમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યો હશે. સમિતિને આગામી સંસદ સત્ર સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરવાનો રહેશે.

અનેક પક્ષોએ પણ બિલ અંગે સવાલો ઉઠાવ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જગ્યાએ ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં આ બિલ રજૂ કર્યું હતું. બિલને લઈને વિપક્ષે સરકાર પર અનેક સવાલો ઉઠાવ્યા છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે બિલનો વિરોધ કરતાં આરોપ લગાવ્યો કે આ કાયદો અલ્પસંખ્યકોને નિશાન બનાવે છે. વિપક્ષના કેટલાક પક્ષોનું કહેવું છે કે બિલની કેટલીક જોગવાઈઓથી ખ્રિસ્તી એનજીઓ તેમજ અલ્પસંખ્યકો દ્વારા સંચાલિત સામાજિક કલ્યાણ અને શૈક્ષણિક સંસ્થાઓને મળતા કાયદેસર વિદેશી ભંડોળ પર અસર પડી શકે છે. કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના પક્ષોએ પણ બિલ અંગે સવાલો ઉઠાવ્યા હતા. DMKએ બિલ પરત ખેંચવાની અથવા JPCને મોકલવાની માગ કરી હતી.

પ્રસ્તાવિત કાયદો કોઈ ચોક્કસ ધર્મને નિશાન બનાવવા માટે નથી: સરકાર

બીજી તરફ, BJDએ બિલને JPCમાં મોકલીને તેના પર વિગતવાર ચર્ચા કરવાની તરફેણ કરી હતી. સરકારનું કહેવું છે કે પ્રસ્તાવિત કાયદો કોઈ ચોક્કસ ધર્મને નિશાન બનાવવા માટે નથી, પરંતુ વિદેશી અંશદાનના નિયમન અને તેમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે છે. ઉલ્લેખનીય છે કે FCRA સુધારા બિલ આ વર્ષે 25 માર્ચે બજેટ સત્ર દરમિયાન લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. બિલમાં એનજીઓ અને વિદેશી ભંડોળ પર સરકારની દેખરેખ વધુ કડક બનાવવાની જોગવાઈઓનો પ્રસ્તાવ છે.

આ પણ વાંચો : Amit Shah: વિદ્યાર્થી આંદોલન મુદ્દે સરકાર ચર્ચા કરવા તૈયાર, અમિત શાહે લોકસભા સ્પીકરને લખ્યો પત્ર