દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શનકારીઓએ જંતર-મંતરથી સંસદ ભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે પોલીસ સાથે તણાવ સર્જાયો હતો. આ ઘટનામાં સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે શું પોલીસ વિરોધ પ્રદર્શનો કે ભીડ નિયંત્રણ માટે યુનિફોર્મ વગરના કર્મચારીઓને તૈનાત કરી શકે છે અને શું આ પ્રકારની કાર્યવાહી કાયદેસર છે?
વણસતી પરિસ્થિતિ અટકાવવા ઘણી વાર સાદા ડ્રેસમાં હોય
સામાન્ય સંજોગોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ હંમેશાં ખાખી ગણવેશમાં જ ફરજ બજાવતી હોય છે. જો કે, વહીવટીતંત્ર દ્વારા કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં સાદા પોશાકમાં કર્મચારીઓની તૈનાતી કરવામાં આવતી હોય છે, જેના મુખ્ય બે કારણો હોય છે. પ્રથમ, ગુપ્ત માહિતી એકત્રિત કરવી જેથી ભીડમાં છુપાયેલા ઉપદ્રવી તત્વો કે અસામાજિક તત્વો હિંસા કે અશાંતિ ન ફેલાવી શકે. બીજું, ક્યારેક ભારે પોલીસ કાફલો અથવા રમખાણ વિરોધી વાહનો જોઈને શાંતિપૂર્ણ ભીડ પણ ઉશ્કેરાઈ જતી હોય છે, તેથી પરિસ્થિતિને વણસતી અટકાવવા માટે ગુપ્ત રીતે નજર રાખવામાં આવે છે.
https://twitter.com/ApurvKurudgikar/status/2079333807061381330
સમગ્ર મામલે રાજકીય સ્તરે સવાલો ઉઠ્યા
આ સમગ્ર મામલે રાજકીય સ્તરે પણ સવાલો ઉઠ્યા છે, અને બાડમેર-જૈસલમેરના સાંસદ ઉમ્મેદારમ બેનીવાલે સોશિયલ મીડિયા પર સવાલ પૂછ્યો છે કે દિલ્હી પોલીસ સાથે સાદા કપડામાં લાકડીઓ લઈને હાજર રહેલા આ લોકો કોણ હતા અને તેમને કોના આદેશથી લાઠીચાર્જ કરવાની છૂટ આપવામાં આવી હતી.
નિયમ અનુસાર વર્દી પહેરવી આવશ્યક
ભારતમાં પોલીસનું સંચાલન પોલીસ અધિનિયમ 1861અને રાજ્યના પોલીસ માર્ગદર્શિકા (જેમ કે દિલ્હી પોલીસ મેન્યુઅલ) હેઠળ થાય છે. નિયમો અનુસાર ફરજ પરના દરેક પોલીસકર્મી માટે ગણવેશ પહેરવો અનિવાર્ય છે. ગુપ્તચર શાખા (CID) કે ક્રાઈમ બ્રાન્ચ જેવી સ્પેશિયલ ટીમોને જ સાદા કપડામાં ફરજ બજાવવાની છૂટ હોય છે, જ્યારે ભીડ નિયંત્રણનું કાર્ય માત્ર ગણવેશધારી પોલીસનું જ છે. વધુમાં, ફોજદારી કાયદાના નવા નિયમો (BNSS ની કલમ 36/ જૂની CrPC ની કલમ ૪૧B) મુજબ, જો કોઈ પોલીસ અધિકારી સાદા પોશાકમાં પણ કોઈને અટકાયતમાં લે, તો તેણે પોતાની સ્પષ્ટ ઓળખ અને નેમ ટેગ બતાવવું કાનૂની રીતે ફરજિયાત છે. આ ઘટનાએ સુરક્ષા દળોના નિયમો અને નાગરિકોના મૂળભૂત અધિકારો વચ્ચેના સંતુલનને લઈને ગંભીર ચર્ચાઓ જગાવી છે.
આ પણ વાંચોઃ ખેડૂતોની દિલ્હી કૂચ વચ્ચે આવ્યા મોટાં સમાચાર, સરકારે તેમની 2 શરત સ્વીકારી લીધી