દિલ્હીના સ્થળ જંતર-મંતર પર હાલમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ અને અશાંત બની ગઈ છે. "કોકરોચ જનતા પાર્ટી" (CJP)ના બેનર હેઠળ એકત્ર થયેલા હજારો વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા સરકાર વિરુદ્ધ ભીષણ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. તાજેતરમાં "ચલો સંસદ" કૂચ દરમિયાન સંસદ ભવન તરફ આગળ વધી રહેલા પ્રદર્શનકારીઓની દિલ્હી પોલીસ સાથે ઉગ્ર અથડામણ થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે બેરિકેડ્સ, લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવો પડ્યો હતો, જેમાં 12 વિદ્યાર્થીઓ અને પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
જંતર મંતર પર વરસાદ વચ્ચે પણ ધરણાં ચાલુ
આ આંદોલન પાછળનું મુખ્ય કારણ શિક્ષણ પ્રણાલીની ખામીઓ, બેરોજગારી અને NEET પરીક્ષા વિવાદ છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે પર્યાવરણવિદ્ સોનમ વાંગચુક હોસ્પિટલમાં જ ભૂખ હડતાળ પર બેઠા છે. પોલીસે વિરોધીઓના તંબુઓ તોડી પાડ્યા હોવા છતાં, વિદ્યાર્થીઓ પાછા હટ્યા નથી અને ચોમાસાના ભારે વરસાદ વચ્ચે પણ ધરણા પ્રદર્શન યથાવત રાખ્યા છે. સીજેપીના સ્થાપક અભિજીત દિપકકે સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે જ્યાં સુધી માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન અનિશ્ચિત સમય માટે ચાલુ રહેશે.
https://twitter.com/ANI/status/2080190352221508023
દિલ્હી સિવાય અનેક શહેરોમાં કરાયું પ્રદર્શન
આ વિરોધ પ્રદર્શન હવે માત્ર દિલ્હી પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ મુંબઈ, બેંગલુરુ, કોલકાતા અને પટના જેવા દેશના મોટા શહેરોમાં પણ તે ફેલાઈ ગયું છે. આ પરિસ્થિતિએ રાષ્ટ્રીય રાજકારણમાં પણ ભારે ગરમાવો લાવી દીધો છે. કોંગ્રેસ સહિતના વિપક્ષી ગઠબંધને વિદ્યાર્થીઓને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. સંસદમાં પણ વિપક્ષી નેતાઓએ કાળા વસ્ત્રો પહેરીને NEET મુદ્દે સરકારને ઘેરી હતી. મહારાષ્ટ્રમાં પણ આ મુદ્દે રાજકારણ તેજ બન્યું છે, જ્યાં એમએનએસ વડા રાજ ઠાકરે અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ એકસાથે આવીને આગામી ૨૬ જુલાઈએ મુંબઈના શિવાજી પાર્કથી સિદ્ધિવિનાયક મંદિર સુધી શક્તિ પ્રદર્શન અને વિશાળ માર્ચ કાઢવાની જાહેરાત કરી છે.
જંતર મંતર પર ફરી એક વખત વિદ્યાર્થીઓ અને નિંહંગો આમને સામને
દરમિયાન, ગુરુવારે બપોરે જંતર-મંતર પર એક નવી જ અફરાતફરી જોવા મળી હતી, જ્યાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ અને નિહંગો વચ્ચે કોઈ બાબતને લઈને ઉગ્ર દલીલો અને ઘર્ષણ સર્જાયું હતું. જો કે, ત્યાં હાજર અન્ય લોકોએ તાત્કાલિક વચ્ચે પડીને બંને પક્ષોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમથી કેન્દ્ર સરકાર પરનું દબાણ સતત વધી રહ્યું છે.
આ પણ વાંચોઃ Railway માં હવે TTE કેમેરા સાથે ટિકિટ ચેક કરશે, દરેક વાતચીત કેમેરામાં થશે રેકોર્ડ