ભારતીય રેલવેએ મુસાફરીને વધુ સુરક્ષિત, પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે એક મહત્વપૂર્ણ અને આધુનિક પગલું ભર્યું છે. હવે ટ્રેનોમાં ટિકિટ તપાસવાની પ્રક્રિયા સંપૂર્ણપણે બદલાઈ રહી છે, કારણ કે રેલવેએ ટીટીઈ (TTE) કર્મચારીઓને બોડી-વોર્ન કેમેરા આપવાનો નિર્ણય કર્યો છે. ફરજ પર હાજર રહેતા ટીટીઈ હવે તેમના યુનિફોર્મ સાથે આ ખાસ કેમેરા પહેરશે, જે મુસાફરો સાથેની તેમની તમામ વાતચીત અને પ્રવૃત્તિઓને ઓડિયો-વિડિયો ફોર્મેટમાં રેકોર્ડ કરશે.

હવે કેમેરા સાથે ટિકિટ ચેકિંગ થશે

આ પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત ઉત્તર મધ્ય રેલવે (NCR)ના પ્રયાગરાજ વિભાગમાંથી કરવામાં આવી છે. જનરલ મેનેજર નરેશ પાલ સિંહની ખાસ સૂચનાના આધારે હાલમાં આ સિસ્ટમ બે મુખ્ય ટ્રેનોમાં લાગુ કરવામાં આવી છે, જેમાં ૧૨૪૧૭/૧૨૪૧૮ પ્રયાગરાજ એક્સપ્રેસ (પ્રયાગરાજ-નવી દિલ્હી) અને ૧૨૪૫૧/12452 શ્રમિક શક્તિ એક્સપ્રેસ (કાનપુર-નવી દિલ્હી)નો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં આ ટ્રેનોના સ્ટાફને ૩૦ કેમેરા પૂરા પાડવામાં આવ્યા છે અને કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે. જો આ પ્રયોગ સફળ રહેશે, તો તેને તબક્કાવાર રીતે દેશભરની અન્ય ટ્રેનોમાં પણ લાગુ કરવામાં આવશે.

નાઇટ વિઝન સાથે ટીટીઇના પહેરવેશ પર લગાવાશે કેમેરા

આ બોડી-વોર્ન કેમેરા અનેક અદભુત વિશેષતાઓ ધરાવે છે. આ હાઇ-ડેફિનેશન કેમેરામાં નાઇટ વિઝન મોડ ઉપલબ્ધ છે જેથી રાત્રિના સમયે પણ સ્પષ્ટ રેકોર્ડિંગ થઈ શકે. આ ઉપરાંત, લાંબી બેટરી બેકઅપ ક્ષમતા અને ટેમ્પર-પ્રૂફ સિસ્ટમ હોવાને કારણે રેકોર્ડ કરેલા વીડિયો સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરી શકાતી નથી. ઉત્તર મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી ડૉ. શિવમ શર્માના જણાવ્યા મુજબ, આ નવી પહેલથી મુસાફરોને સુરક્ષિત અનુભવ મળશે અને ટિકિટ ચેકિંગ પ્રક્રિયા વધુ પારદર્શક બનશે.

મુસાફર અને ટીટીઈ વચ્ચે થતા વાદ-વિવાદને કારણે લેવાયો નિર્ણય

અગાઉ ટિકિટ ચેકિંગ દરમિયાન મુસાફરો અને ટીટીઈ વચ્ચે થતા વાદ-વિવાદ કે ગેરસમજના કિસ્સાઓમાં સાચું કોણ છે તે નક્કી કરવું મુશ્કેલ બનતું હતું. હવે આ ડિજિટલ રેકોર્ડિંગના કારણે સત્ય અને અસત્ય સરળતાથી અલગ થઈ શકશે. આનાથી માત્ર મુસાફરોના અધિકારોનું રક્ષણ થશે નહીં, પરંતુ ખોટા આરોપોનો સામનો કરતા રેલવે કર્મચારીઓને પણ સુરક્ષા મળશે. વહીવટી દૃષ્ટિએ પણ આ ડિજિટલ પુરાવાઓ સુરક્ષા વ્યવસ્થા, શંકાસ્પદ પ્રવૃત્તિઓ અટકાવવા અને કાયદો તથા વ્યવસ્થા જાળવવામાં અત્યંત ઉપયોગી સાબિત થશે, જેનાથી ભારતીય રેલવેની છબી વધુ મજબૂત બનશે.

આ પણ વાંચોઃ  Congo માં ઇબોલા વાયરસનો હાહાકાર, અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત