મધ્ય આફ્રિકાના દેશ કોંગોમાં ઇબોલા વાયરસનો પ્રકોપ અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. આફ્રિકાના સ્વાસ્થ્ય અધિકારીઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના જણાવ્યા અનુસાર, આ ઇતિહાસમાં સૌથી ઝડપથી ફેલાતો અને અત્યંત ઘાતક ઇબોલા પ્રકોપ માનવામાં આવી રહ્યો છે. તાજેતરના સત્તાવાર આંકડાઓ પ્રમાણે આ જીવલેણ બિમારીના કારણે અત્યાર સુધીમાં ૧,૦૦૦ કરતા વધુ લોકો પોતાના પ્રાણ ગુમાવી ચૂક્યા છે.
ઇબોલાને લઇને ચિંતા વ્યક્ત કરી
ઘાનામાં યોજાયેલી એક આરોગ્ય પરિષદને સંબોધિત કરતા આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના ડિરેક્ટર જનરલ ડૉ. જીન કાસેયાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે લોકો સતત મૃત્યુ પામી રહ્યા છે કારણ કે હાલમાં સ્થિતિનો સામનો કરવા માટે પર્યાપ્ત રસીઓ, જીવનરક્ષક દવાઓ અને પૂરતું ભંડોળ ઉપલબ્ધ નથી. કોંગોના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની માહિતી મુજબ, આ પ્રકોપ હેઠળ કુલ 2473 જેટલા કેસ નોંધાયા છે, જેમાંથી ઓછામાં ઓછા 737 દર્દીઓ હોસ્પિટલોમાં અથવા એકાંતવાસમાં સારવાર લઈ રહ્યા છે.
રોગચાળો ફેલાવાને લઇને આપી ચેતવણી
દરમિયાન, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ ચેતવણી આપી છે કે ઇબોલા રોગચાળાનો વાસ્તવિક ફેલાવો સત્તાવાર રીતે સામે આવતા આંકડાઓ કરતા બે થી ચાર ગણો મોટો હોઈ શકે છે. WHOના જણાવ્યાનુસાર, ગત 15 મેથી શરૂ થયેલો આ રોગચાળો એટલી બેફામ ગતિએ ફેલાઈ રહ્યો છે કે સ્થાનિક આરોગ્ય અધિકારીઓ અને તબીબી ટીમો માટે તેની ગતિ સાથે તાલમેલ બેસાડવો અત્યંત મુશ્કેલ બની ગયું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે લગભગ 80 ટકા નવા કેસો ટ્રાન્સમિશનની જાણીતી સાંકળોની બહાર સામે આવી રહ્યા છે, જે દર્શાવે છે કે આ વાયરસ તંત્રની પકડ બહાર અતિશય ઝડપથી આગળ વધી રહ્યો છે.
આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે
ઉલ્લેખનીય છે કે ઇબોલા એ અત્યંત જોખમી અને ગંભીર વાયરલ સંક્રમણ છે, જે મોટાભાગના કિસ્સાઓમાં જીવલેણ સાબિત થાય છે. ચેપગ્રસ્ત વ્યક્તિના શારીરિક પ્રવાહીઓ જેવા કે લોહી, ઉલટી, પરસેવો અથવા અન્ય પ્રવાહીના સંપર્કમાં આવવાથી આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે. હાલની પરિસ્થિતિમાં આ રોગનો કોઈ ચોક્કસ અને સરળ ઈલાજ ઉપલબ્ધ ન હોવાને કારણે સમગ્ર ક્ષેત્રમાં ભયનું વાતાવરણ છવાયું છે અને આંતરરાષ્ટ્રીય મદદની તાકીદે જરૂરિયાત ઊભી થઈ છે.
આ પણ વાંચોઃ Red Sea Attack : લાલ સમુદ્રમાં મોટો હુમલો, હુતી બળવાખોરોએ બે સાઉદી તેલ ટેન્કરોને બનાવ્યા નિશાન