દિલ્હીના જંતર-મંતર ખાતે શનિવારે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનનું નેતૃત્વ પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે કર્યું હતું. અમેરિકા પ્રવાસથી પરત ફર્યા બાદ તેઓ સીધા જ આ આંદોલનમાં જોડાયા હતા. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે હજારો વિદ્યાર્થીઓ, યુવાનો, વાલીઓ અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો પ્રદર્શનમાં જોડાયા.


આ છે યુવાઓની માગણીઓ

પ્રદર્શનનો મુખ્ય મુદ્દો દેશની શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને વિદ્યાર્થીઓ પર વધી રહેલા માનસિક દબાણને લઈને હતો. પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. CJPની મુખ્ય માગણીઓમાં શિક્ષણમંત્રીનું રાજીનામું, પારદર્શક અને નિષ્પક્ષ પરીક્ષા વ્યવસ્થા, ડિજિટલ શિક્ષણમાં સુધારા, મણિપુરમાં સામાન્ય શિક્ષણ વ્યવસ્થાની પુનઃસ્થાપના અને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે વિશેષ પગલાંનો સમાવેશ થાય છે. પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો કે નીટ પેપર લીક, CBSEની ઓનલાઈન માર્કિંગ પદ્ધતિમાં ખામીઓ અને ભરતી પરીક્ષાઓમાં સતત ઊભી થતી સમસ્યાઓએ વિદ્યાર્થીઓનો વિશ્વાસ હચમચાવી દીધો છે.

ગેરસમજો અને ટેક્નિકલ ખામીઓ વધી રહી છે

પ્રદર્શન દરમિયાન શિક્ષણના વધતા ડિજિટલીકરણ મુદ્દે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. વાલીઓ અને વિદ્યાર્થીઓએ દલીલ કરી હતી કે પૂરતી તૈયારી અને તાલીમ વિના ડિજિટલ સિસ્ટમ લાગુ કરવાથી ગેરસમજો અને ટેક્નિકલ ખામીઓ વધી રહી છે. તેમણે શિક્ષકોને પૂરતી તાલીમ આપ્યા બાદ જ સંપૂર્ણ ડિજિટલ શિક્ષણ અમલમાં મૂકવાની માગ કરી હતી. મણિપુરના વિદ્યાર્થીઓની સમસ્યાઓ પણ આંદોલનનો મહત્વનો મુદ્દો બની હતી.

આંદોલન સોશિયલ મીડિયાથી આગળ વધ્યું

પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં લાંબા સમયથી અશાંતિના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ ગંભીર રીતે પ્રભાવિત થઈ રહ્યું છે. સાથે જ વિદ્યાર્થીઓના વધતા માનસિક તણાવ અને આત્મહત્યાના કેસોને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય સ્તરે માનસિક આરોગ્ય સહાય વ્યવસ્થા ઊભી કરવાની માગ પણ કરવામાં આવી હતી. આંદોલન સોશિયલ મીડિયા અભિયાનથી આગળ વધી હવે રસ્તા સુધી પહોંચ્યું છે, જે દર્શાવે છે કે શિક્ષણ અને પરીક્ષા વ્યવસ્થા અંગે દેશના યુવાનોમાં અસંતોષ સતત વધી રહ્યો છે.

આ પણ વાંચો : 2026માં અત્યાર સુધીમાં અમેરિકાએ કેટલા ભારતીયોને કર્યા ડિપોર્ટ? વિદેશ મંત્રાલયે આપી જાણકારી

  • Follow us on: