ભારતમાં હમણાંથી હિમાલય ક્ષેત્રના વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટનાઓ વધી ગઇ છે. છેલ્લા એક દાયકામાં વાદળ ફાટવાની ઘટનાઓમાં ગંભીર વધારો થયો છે. વાદળ ફાટવાના કારણે ગણતરીની મિનીટોમાં જ અતિ ભારે પૂર આવી જાય છે અને તેના કારણે ભૂસ્ખલન થાય છે અને ચારે બાજુ તબાહી સર્જાઇ જાય છે. છેલ્લા 9 વર્ષમાં દેશમાં વાદળ ફાટવાની 8 ગંભીર ઘટના બની છે જેમાં ઘણો વિનાશ થયો છે અને જોવા જઇએ તો છેલ્લા 46 વર્ષમાં વાદળ ફાટવાની માત્ર 30 ઘટના જ બની છે જેથી આ દસકામાં વાદળ ફાટવાની ઘટનામાં થયેલો વધારો આપણને ઘણો વિચારતો કરી મુદે તેવો છે


વાદળ ફાટવું એટલે શું?

IMD અનુસાર, જ્યારે કોઈ વિસ્તારમાં 1 કલાકમાં 100 મીમી (અથવા 10 સે.મી.) કરતાં વધુ વરસાદ થાય અને તે માત્ર 20-30 ચોરસ કિમી જેટલા નાના વિસ્તારમાં થાય તો તેને વાદળ ફાટવું કહેવાય છે. કેટલાક વૈજ્ઞાનિકો 50-100 મીમી વરસાદ 2 કલાકમાં થાય તેને મિની ક્લાઉડબર્સ્ટ માને છે.

અચાનક વરસાદ એકસાથે નીચે પડી જાય છે

આ ઘટના ત્યારે થાય છે જ્યારે ભીની હવા પર્વતો પર ચઢે છે અને ઉપર જઇને કમ્યુલોનિમ્બસ વાદળ બનાવે છે.આ વાદળ એટલા ભારે થઈ જાય છે કે અચાનક વરસાદ એકસાથે નીચે પડી જાય છે, જેના કારણે પૂર અને ભૂસ્ખલન થાય છે.

વાદળ ફાટવાના મુખ્ય કારણો:

ભૌગોલિક કારણો:

હિમાલયની ઊંચી પર્વતશ્રેણીઓ અને તેના ઢોળાવો હવાને ઉપર ઉઠાવે છે જેને ઓરોગ્રાફિક લિફ્ટિંગ કહેવાય છે. વૃક્ષો કાપવા ગેર કાયદેસર બાંધકામ અને પર્વતો પર વસવાટ વધવાને કારણે આ જોખમ વધી રહ્યું છે.

હવામાન પરિવર્તન:

ગ્લોબલ વોર્મિંગથી સમુદ્ર ઉષ્ણ થાય છે અને હવામાં ભેજ વધી જાય છે.દર 1°C તાપમાન વધારો ભેજધારણ ક્ષમતા 7% વધી શકે છે, જેના કારણે વધુ વરસાદ થાય છે.

માનવસર્જિત કારણો:

જંગલોનો વિનાશ, ડેમ બાંધવા અને પાણી નિકાલના ખરાબ નાળાના કારણેપાણી શોષાઈ શકતું નથી.

મોસમની અસર:

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજ ભરેલી હવા હિમાલય સાથે અથડાય છે જેના કારણે ભારે વરસાદ થાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આમાં યોગદાન આપે છે.

ભવિષ્યવાણીની અસમર્થતા:

વાદળ ફાટવું ખૂબ જ ઓછી જગ્યા અને ટૂંકા સમયમાં બને છે, તેથી હવામાન વિભાગ તેને ચોક્કસ રીતે આગોતરી ભવિષ્યવાણી પણ કહી શકતું નથી.

વાદળ ફાટવાનાં પરિણામો

માનવી અને સંપત્તિ નુકસાન: ઘર , પાક,રસ્તાઓ અને ઈમારતો નષ્ટ થાય છે, જીવહાનિ થાય છે.

વીજળી અને સંચાર વ્યવસ્થા ઠપ્પ: રસ્તા બંધ થવાથી રાહત કામગીરી મોડી થાય છે.

પર્યાવરણ નુક્સાન: જમીનનું ધોવાણ થઇ જવું, નદીઓમાં પ્રદૂષણ અને જંગલોનુ નાશ.

આર્થિક અસર: ખેડૂત, પ્રવાસન અને સ્થાનિક વેપાર પર માઠી અસર પડે છે.

1908થી 2025 સુધીની મુખ્ય ઘટનાઓ:

28 સપ્ટેમ્બર 1908ના રોજ હૈદરાબાદમાં મુસી નદીમાં પૂર આવવાથી 15,000થી વધુ મૃત્યુ, 80,000 ઘરો નષ્ટ પામ્યા હતા.

20 જુલાઈ 1970 અલકનંદા ઘાટીમાં તો અનેક ગામો નાશ પામ્યા, સેંકડો લોકો મૃત્યુ પામ્યા

26 જુલાઈ 2005 મુંબઈમાં 950 મીમી વરસાદ, 1,000થી વધુ મૃત્યુ

6 ઓગસ્ટ 2010 લેહમાં 200 મીમીથી વધુ વરસાદ, 179 મૃત્યુ

15-17 જૂન 2013 કેદારનાથમાં 6,000 થી 10,000 મૃત્યુ, હજારો ફસાયા

4 મે 2018 બેલગામમાં 95 મીમી વરસાદ, ન્યૂનતમ નુકસાન

12 મે 2021 ટેહરી ચમોલીમાં ભારે વરસાદ, મોટું નુકસાન નહીં

28 જુલાઈ 2021 કિષ્તવા઼ડ 26 મૃત્યુ, 17 ઘાયલ

20 ઑક્ટોબર 2021 સેલમ 213 મીમી વરસાદ, નુકસાન ઓછી માત્રામાં

8 જુલાઈ 2022 અમરનાથ 15 યાત્રિકોના મૃત્યુ

ઑગસ્ટ 2022 હિમાચલ, ઉત્તરાખંડ અનેક સ્થળોએ વાદળ ફાટ્યા, ઘણા મોત

6 ઑગસ્ટ 2025 ઉત્તરકાશી 4 લોકોના મૃત્યુ, 50થી વધુ લાપતા

14 ઑગસ્ટ 2025 કિષ્ટવાડ 45 મૃત્યુ, 100 ઘાયલ

વધતી ઘટનાઓનાં કારણો:

હિમાલયનો અસરો: ઢાળ અને ગ્લેશિયર વરસાદ વધારતા હોય છે. વનવિનાશ અને ડેમો આને વધુ જોખમી બનાવે છે.

હવામાન પરિવર્તન: 1950 પછી કેટલાક વિસ્તારોમાં વરસાદ 20-50% જેટલો વધી ગયો છે.

માનવ ભૂલો: અંધાધૂંધ વિકાસ, ખોટી બાંધકામ પદ્ધતિઓ, પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવી.

સૌથી વધુ જોખમવાળા વિસ્તારો

જમ્મુ-કાશ્મીર: કિષ્તવાડ, પહેલગામ, અમરનાથ

હિમાચલ પ્રદેશ: કુલ્લૂ, મનાલી, શિમલા, ચમ્બા

ઉત્તરાખંડ: કેદારનાથ, ચમોલી, રુદ્રપ્રયાગ, જોશીમઠ

લદ્દાખ: લેહ

સિક્કિમ અને અરુણાચલ: તવાંગ, નોર્થ સિક્કિમ

આમ જોઈએ તો વાદળ ફાટવાની ઘટનાઓ માત્ર કુદરતી નહી પણ માનવસર્જિત ભૂલો અને હવામાન પરિવર્તનના સંકેતો પણ છે. 

  • Follow us on: