ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મંગળવારે બપોરે લગભગ 1.45 વાગ્યે હરસિલ સ્થિત ભારતીય સેનાના કેમ્પથી લગભગ 4 કિલોમીટર દૂર, ધરાલી ગામમાં વાદળ ફાટવાથી તબાહી મચી ગઈ છે. વાદળ ફાટવાના કારણે મોટું પુર આવ્યું છે અને અત્યાર સુધીમાં આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ગુમ છે.
ધરાલીમાં સ્થાનિકો અને મુસાફરોને જોડીને 200થી વધારે લોકો હાજર હતા
આ પૂરથી પવિત્ર ગંગોત્રી ધામના તમામ રસ્તાઓ તુટી ગયા છે અને આ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે અને ઘણી એજન્સીઓને ઈમરજન્સી મદદ માટે મોકલવામાં આવી છે. હરી શિલા પર્વત સ્થિત સાત તાલ વિસ્તારથી ખીરગંગા આવે છે અને જ્યાં વાદળ ફાટ્યું છે, તેની બાજુમાં ધરાલી વિસ્તાર છે. સામેની બાજુએ હર્ષિલનો તેલ ગાટમાં આર્મી કેમ્પ છે. આ દુર્ઘટનાના સમયે ધરાલીમાં સ્થાનિકો અને મુસાફરોને જોડીને 200થી વધારે લોકો હાજર હતા. આ આર્મી કેમ્પ પણ પાણીની ઝપેટમાં આવ્યો છે. ઘણા જવાનો પણ દુર્ઘટનામાં ગુમ થયા હોવાની આશંકા છે. હર્ષિલમાં સેનાની 14 યૂનિટની તૈનાતી છે.
ભારે વરસાદના કારણે હેલિકોપ્ટર દ્વારા પણ બચાવ કામગીરી થઈ શકતી નથી
આ સિવાય ઉત્તરકાશીથી 18 કિલોમીટર દૂર નેતલામાં પણ લેન્ડ સ્લાઈડ થવાથી ધરાલી વિસ્તાર સુધી પહોંચી શકાય તેમ નથી. બીજી તરફ હર્ષિલમાં નદીના કિનારા પાસે બનેલું હેલિપેડ પણ પાણીમાં વહી ગયુ છે. ભારે વરસાદના કારણે હેલિકોપ્ટર દ્વારા પણ બચાવ કામગીરી થઈ શકતી નથી. હર્ષિલ વિસ્તારમાં ખીરગઢમાં પુરથી તબાહી વધી ગઈ અને તેના કારણે ઉત્તરકાશી પોલીસ, NDRF, SDRF સેના અને અન્ય બચાવ ટીમે રાહત કામગીરી શરૂ કરી દીધી છે.