NEET-UG પેપર લીક અને પરીક્ષામાં થયેલી વ્યાપક ગેરરીતિઓના વિરોધમાં 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા દિલ્હીના જંતર-મંતર પર સતત 18મા દિવસે આંદોલન ચાલુ છે. આ આંદોલનનું મુખ્ય કેન્દ્ર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું છે. આ આંદોલન વચ્ચે જ્યારે પત્રકારોએ CJPના સ્થાપક અભિજીત દિપકેને સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારે પાસે ટેકો માંગવા અંગે પ્રશ્ન કર્યો, ત્યારે તેમણે આ વિચારને સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો.
હવે યુવાનોએ જવાબદારી સંભાળવી જોઇએ
અભિજીત દિપકેએ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "મને લાગે છે કે હવે યુવાનોને જવાબદારી સંભાળવા દેવી જોઈએ. જે લોકો 60-70 વર્ષના છે, તેમણે રાજકારણ કે સક્રિય સામાજિક આંદોલનોમાંથી નિવૃત્તિ લેવી જોઈએ." તેમણે વધુમાં ઉમેર્યું કે હવે આ આશ્રમમાં આરામ કરવાનો સમય છે. તેમના મતે, આ આંદોલન વિદ્યાર્થીઓના ભવિષ્યનો પ્રશ્ન છે, તેથી હવે આપણે પોતે જ નક્કી કરવું પડશે કે શું કરવું. અભિજીત દિપકેએ તીખા સવાલો ઉઠાવતા પૂછ્યું કે, "જે વૃદ્ધ લોકોએ બધું ગુમાવ્યું છે અથવા જેઓ જૂની વિચારધારામાં અટવાયેલા છે, તેઓ ક્યાં સુધી આપણા ભવિષ્યના નિર્ણયો લેશે?"
ભૂખહડતાળને લઇને અભિજીતે સરકારને લીધા આડેહાથ
બીજી તરફ, આ આંદોલન દરમિયાન સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની અનિશ્ચિત ભૂખ હડતાળ પણ મંગળવારે 10મા દિવસે પહોંચી છે. લાંબા સમયના ઉપવાસને કારણે વાંગચુકનું વજન 6.9 કિલોગ્રામ ઘટ્યું હોવા છતાં તેમનો સંકલ્પ મક્કમ છે. અભિજીતે આ પરિસ્થિતિ પર સરકારને આડે હાથ લેતા પૂછ્યું કે, આટલું બધું થઈ રહ્યું છે, છતાં સરકાર ક્યારે જાગશે?
https://twitter.com/abhijeet_dipke/status/2074352856744743324
સરકારી વલણ પર પણ ગંભીર આરોપો લગાવ્યા
આ આંદોલન દરમિયાન મહિલાઓની સુરક્ષા અને તેમના પ્રત્યેના સરકારી વલણ પર પણ ગંભીર આરોપો લાગ્યા છે. અભિજીત દિપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ દ્વારા સવાલ ઉઠાવ્યો હતો કે સરકારે પોલીસ દ્વારા આંદોલનકારી મહિલા કાર્યકરોની ગેરકાયદેસર વીડિયો રેકોર્ડિંગ કેમ કરાવી? તેમણે દાવો કર્યો કે ગઈકાલે રાત્રે કેટલાક અધિકારીઓ મહિલાઓના ફોટા લેતા રંગે હાથે પકડાયા હતા અને જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓ સ્થળ પરથી ભાગી ગયા હતા.
જંતર-મંતર પર વાતાવરણ તંગ
આંદોલનના 18મા દિવસે જંતર-મંતર પર વાતાવરણ તંગ છે. એક તરફ ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન ના સભ્યો પણ પોતાની રીતે ભૂખ હડતાળ ચલાવી રહ્યા છે, તો બીજી તરફ અભિજીત દિપકે અને તેમની ટીમ યુવા નેતૃત્વના આગ્રહ સાથે આ આંદોલનને એક નવી દિશા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. સમગ્ર દેશની નજર હવે સરકારના પ્રતિભાવ પર છે કે તેઓ વિદ્યાર્થીઓની આ માગણીઓને કેવી રીતે સ્વીકારે છે.
આ પણ વાંચોઃ France ના રાષ્ટ્રપતિ મેક્રોં સીરિયાના પ્રવાસે, દમિશ્કમાં હોટલ પાસે થયા બે વિસ્ફોટ