મધ્યપ્રદેશના છિંદવાડામાં નવ બાળકોના મોત બાદ રાજ્ય સરકારે એક મોટું પગલું ભર્યું છે. મુખ્યમંત્રી મોહન યાદવે રાજ્યભરમાં કોલ્ડરિફ કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યને આઘાત પહોંચાડ્યો છે. સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી છે અને સીરપ બનાવતી કંપની અને તેના ઉત્પાદનો સામે તપાસ શરૂ કરી છે.
બાળકોના મૃત્યુ અત્યંત દુ:ખદ-મોહન યાદવ
આ બાબતે કડક વલણ અપનાવતા મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે કોલ્ડરિફ સિરપને કારણે છિંદવાડામાં બાળકોના મૃત્યુ અત્યંત દુઃખદ છે. આ સીરપના વેચાણ પર સમગ્ર મધ્યપ્રદેશમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે સીરપ કંપનીના અન્ય ઉત્પાદનોના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. આ સીરપ તમિલનાડુના કાંચીપુરમ સ્થિત એક ફેક્ટરીમાં બનાવવામાં આવે છે.
કડક કાર્યવાહી કરી- મોહનયાદવ
મુખ્યમંત્રીએ સમજાવ્યું કે સીરપ બનાવતી ફેક્ટરી કાંચીપુરમમાં આવેલી હોવાથી રાજ્ય સરકારે ઘટનાની જાણ થતાં તમિલનાડુ સરકારને તપાસ કરવા કહ્યું હતું. તપાસ રિપોર્ટ આજે સવારે મળ્યો હતો. રિપોર્ટના આધારે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ગુનેગારોને નહી છોડવામાં આવે- મોહન યાદવ
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે બાળકોના દુ:ખદ મૃ ત્યુ બાદ સ્થાનિક સ્તરે કાર્યવાહી ચાલી રહી છે. આ મામલાની તપાસ માટે રાજ્ય સ્તરે પણ એક ટીમ બનાવવામાં આવી છે. ગુનેગારોને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં.
DEG સાંદ્રતા માન્ય મર્યાદા કરતાં વધુ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ આ બાબતે માહિતી જાહેર કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) દ્વારા પરીક્ષણ કરાયેલા છ નમૂનાઓમાં DEG/EG (ડાયથિલિન ગ્લાયકોલ/ઇથિલિન ગ્લાયકોલ) મળી આવ્યું ન હતું.
મધ્યપ્રદેશ FDA દ્વારા પરીક્ષણ કરાયેલા 13 નમૂનાઓમાંથી, ત્રણનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેમાં DEG/EG મુક્ત હોવાનું જાણવા મળ્યું હતું. જોકે જ્યારે તમિલનાડુ FDA એ કાંચીપુરમમાં શ્રીસન ફાર્મામાંથી કોલ્ડ્રિફ સીરપના નમૂના એકત્રિત કર્યા ત્યારે 3 ઓક્ટોબર, 2025 ના રોજના અહેવાલમાં DEG સાંદ્રતા માન્ય મર્યાદા કરતાં વધુ હોવાનું જાણવા મળ્યું.
6 રાજ્યમાં નમૂનાનું પરિક્ષણ ચાલુ
આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દેશભરમાં 19 દવા ઉત્પાદન સ્થળોએ તપાસ શરૂ કરવામાં આવી છે. આ નિરીક્ષણો જોખમ-આધારિત નિરીક્ષણ અભિગમ હેઠળ કરવામાં આવી રહ્યા છે જેથી ખાતરી કરી શકાય કે દવાઓની ગુણવત્તામાં કોઈ ખામીઓ નથી. વધુમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV), ICMR, NEERI, CDSCO અને AIIMS નાગપુરના નિષ્ણાતોની એક બહુ-શાખાકીય ટીમ છિંદવાડા અને આસપાસના વિસ્તારોમાં પહોંચી ગઈ છે. આ ટીમ બાળકોના મૃત્યુનું મૂળ કારણ શોધવા માટે કામ કરી રહી છે.
છિંદવાડામાં બનેલી આ ઘટના ફરી એકવાર દવા ઉત્પાદક કંપનીઓની ગુણવત્તા નિયંત્રણ પ્રણાલી પર પ્રશ્નો ઉભા કરે છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર એમ બંને પોતાના સ્તરે તપાસ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં વધુ મહત્વપૂર્ણ ખુલાસા થવાની સંભાવના છે.