છત્રપતિ શિવાજી મહારાજના શિવરાજ્યાભિષેક દિનના પાવન અવસરે વૈશ્વિક સ્તરે એક અત્યંત ગર્વ લેવા જેવા અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં સ્થિત ઇઝરાયેલના કોન્સ્યુલ જનરલ યાનિવ રેવાચે જાહેરાત કરી છે કે, તેઓ ભારતના મહાન શાસક છત્રપતિ શિવાજી મહારાજની એક ભવ્ય પ્રતિમા બનાવીને તેને ઇઝરાયેલના એક મોટા શહેરમાં સ્થાપિત કરવા જઈ રહ્યા છે. આ પ્રસ્તાવ માટે તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી મંજૂરી માંગી હતી, જેને સીએમ દ્વારા તુરંત સ્વીકારી લેવામાં આવી છે.



ભારત અને ઇઝરાયેલના ઇતિહાસ વચ્ચે અદ્ભુત સમાનતા

યાનિવ રેવાચે જણાવ્યું કે, થોડા મહિનાઓ પહેલા જ્યારે તેઓ ભારત આવ્યા ત્યારે તેમણે ભારત અને ઇઝરાયેલના ઇતિહાસ વચ્ચેની સમાનતાઓ વિશે જાણ્યું હતું. તેમણે કહ્યું, બંને દેશો અને પ્રજાએ પોતાની માતૃભૂમિ માટે દાયકાઓ સુધી સંઘર્ષ કરવો પડ્યો છે અને લડવું પડ્યું છે. અમે બરાબર સમજીએ છીએ કે, ભારતના ઇતિહાસમાં છત્રપતિ શિવાજી મહારાજનો પ્રભાવ અને તેમનું સ્થાન કેટલું મહત્વપૂર્ણ છે.


PM મોદીની જેરૂસલેમ મુલાકાત બાદ સંબંધો વધુ મજબૂત બન્યા

ઇઝરાયેલના કોન્સ્યુલ જનરલે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેરૂસલેમની મુલાકાત બાદ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધોને વિવિધ ક્ષેત્રોમાં વધુ ઊંડા બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ અંતર્ગત બંને દેશોના ઈતિહાસ અને સંસ્કૃતિને જોડવા માટે અમે આ સદ્ભાવના પ્રોજેક્ટ તરીકે છત્રપતિ શિવાજી મહારાજની પસંદગી કરી છે. આ અંતર્ગત ભારતમાં એક મોટું સ્ટેચ્યુ તૈયાર કરી ઇઝરાયેલ મોકલવામાં આવશે, જે લાંબા ગાળા સુધી બંને દેશોના નાગરિકોને ભાવનાત્મક રીતે જોડી રાખશે.




મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપ્યા આશીર્વાદ અને પૂર્ણ સહયોગ

આ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવા માટે યાનિવ રેવાચ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસની ઓફિસે પહોંચ્યા હતા. સીએમ ફડણવીસે આ પ્રસ્તાવને તત્કાલ મંજૂરી આપીને પોતાના આશીર્વાદ આપ્યા હતા અને મહારાષ્ટ્ર સરકાર તરફથી જરૂરી તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ અંગે દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, આ ખૂબ જ મોટા સમાચાર છે! શિવરાજ્યાભિષેક દિનના પાવન અવસરે, ઇઝરાયેલના સીજી યાનિવ રેવાચનો ઇઝરાયેલમાં છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાની આ ઐતિહાસિક જાહેરાત માટે હૃદયપૂર્વક આભાર. મહારાષ્ટ્ર સરકાર આ ઐતિહાસિક પહેલને પૂર્ણ સહયોગ આપશે. જય ભવાની, જય શિવાજી!


આ પણ વાંચો - Iran War: વેનેઝુએલા અને ઈરાન વિવાદ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મોટો દાવો


  • Follow us on: