અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક ઉર્જા બજાર અને અમેરિકાના સંસાધનોને લઈને એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. એરફોર્સ વન વિમાનમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો હતો કે, આ પૃથ્વી પર અન્ય કોઈપણ દેશ કરતા અમેરિકા પાસે સૌથી વધુ ખનીજ તેલ, ગેસ અને કોલસાનો જથ્થો ઉપલબ્ધ છે. ગેસોલિનની નિકાસ મર્યાદિત કરવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે આ વાત કહી હતી.
વેનેઝુએલા અને અમેરિકા વચ્ચેના સંબંધો સુધર્યા
રાષ્ટ્રપતિ ટ્રમ્પે વેનેઝુએલાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, અમેરિકાના દ્રષ્ટિકોણથી સૌથી સુંદર બાબત એ છે કે, આપણી પાસે ઉર્જાનો અખૂટ ભંડાર છે. અને જ્યારે તમે તેમાં વેનેઝુએલાને પણ ઉમેરો છો, ત્યારે આપણી પાસે સંભવિત રીતે આ પ્રકારની ઉર્જાનો 64 ટકા હિસ્સો થઈ જાય છે, જે અવિશ્વસનીય છે. તેમણે ઉમેર્યું કે, વેનેઝુએલા સાથે હાલમાં ખૂબ જ સારા સંબંધો છે, ત્યાંના લોકો અમેરિકાને પ્રેમ કરે છે, અને મોટી તેલ કંપનીઓ અત્યારે જ ત્યાં આગળ વધી રહી છે, જેનાથી આગામી સમયમાં લાખો બેરલ તેલ કાઢવામાં આવશે.
ઈરાન પર વળતો પ્રહાર અને ક્રૂડ ઓઇલના ભાવ
ઈરાન સાથે ચાલી રહેલા સૈન્ય તણાવ વચ્ચે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર બનાવી શકશે નહીં અને અમેરિકા આ મામલે મોટી સફળતા મેળવી રહ્યું છે. વૈશ્વિક બજારમાં ખનીજ તેલની કિંમતો અંગે વાત કરતા તેમણે કહ્યું કે, લોકો એવું વિચારતા હતા કે, ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ 300 ડોલર થઈ જશે, પરંતુ આજે તે 96-97 ડોલરની આસપાસ છે. નેવી એસ્કોર્ટની મદદથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે તેલ લાવવામાં આવી રહ્યું હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું.
અમેરિકા અને ઈરાન વચ્ચે સૈન્ય અથડામણ તેજ
બીજી તરફ, 'વોશિંગ્ટન પોસ્ટ'ના અહેવાલ મુજબ, પશ્ચિમ એશિયામાં તણાવ વધુ ઘેરો બન્યો છે. અમેરિકી સૈન્ય સેન્ટકોમ દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તરફ આવી રહેલા ઈરાનના ચાર એટેક ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. આ ઘટનાના થોડા જ કલાકોમાં ઈરાન દ્વારા કુવૈત અને બહરીન તરફ સાત બેલિસ્ટિક મિસાઈલો દાગવામાં આવી હતી, જેને અમેરિકી દળોએ તોડી પાડી હતી. આ નવીનતમ સંઘર્ષના કારણે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત લાવવાના પ્રયાસો વધુ જટિલ બન્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો