ડ્રગ્સના ગેરકાયદે નેટવર્ક સામે ડાયરેક્ટરિટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા ઉત્તર-પૂર્વ ભારતમાં ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત એક મોટી સફળતા મળી છે. DRIની ટીમે અગરતલા ખાતે એક બાતમીના આધારે કાર્યવાહી કરીને મારૂતિ સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી 8 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન (યાબા) ટેબ્લેટ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ભારે હડકંપ મચી ગયો છે.

રેલવે ક્રોસિંગ પાસે કાર રોકીને DRIની ડ્રગ્સ વિરોધી કાર્યવાહી

પ્રાપ્ત વિગતો અનુસાર, DRIની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક શંકાસ્પદ કારમાં પ્રતિબંધિત નશીલા પદાર્થોની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે અગરતલામાં રેલવે ક્રોસિંગ નજીક એક મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કારને રોકવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ કે એજન્સીના અધિકારીઓને જોઈને કારચાલકે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક એજન્સીએ ત્વરિત કાર્યવાહી કરીને એક ડ્રગ્સ તસ્કરને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી, જ્યારે અન્ય એક શખ્સ ફરાર થવામાં સફળ રહ્યો હતો.

કારના ફૂટવેલમાંથી મળ્યા 8 કાળા પેકેટ

અધિકારીઓ દ્વારા કારની સઘન તલાશી લેવામાં આવતા કારની આગળની પેસેન્જર સીટના ફૂટવેલમાંથી 8 કાળા રંગના પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટોની તપાસ કરતા તેમાંથી અંદાજે 8 કિલોગ્રામ વજનની યાબા (Yaba) ટેબ્લેટ્સ મળી આવી હતી. NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ) ની જોગવાઈઓ હેઠળ ડ્રગ્સનો આ જથ્થો તેમજ હેરાફેરીમાં વપરાયેલી કારને જપ્ત કરી લેવામાં આવી છે. DRI દ્વારા ફરાર અન્ય તસ્કરને ઝડપી પાડવા અને આ ડ્રગ્સ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: Botad News: ઝેરી ધુમાડા વચ્ચે ગુંગળાતું ભવિષ્ય! જવાહર નવોદય વિદ્યાલય ખાલીખમ!