દેશમાં માસૂમ નાગરિકોને ડરાવી-ધમકાવીને કરોડો રૂપિયા પડાવતા 'ડિજિટલ અરેસ્ટ'ના ઓનલાઈન કૌભાંડીઓ સામે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇ એ અત્યાર સુધીની સૌથી મોટી કડક કાર્યવાહી હાથ ધરી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા આજે વહેલી સવારથી જ ગુજરાત સહિત દેશના 16 રાજ્યોમાં એકસાથે ધામા નાખીને મેગા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. 


80થી વધુ લોકેશન પર એક સાથે રેઇડ

ડિજિટલ અરેસ્ટ સ્કેમ સાથે જોડાયેલા આ આંતરરાજ્ય નેટવર્કને તોડી પાડવા માટે એજન્સી દ્વારા 80થી વધુ લોકેશન પર એકસાથે રેઇડ પાડવામાં આવી રહી છે.

ગુજરાત સહિતના રાજ્યોમાં દરોડા

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મહા-સર્ચ ઓપરેશનમાં ગુજરાત ઉપરાંત પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આસામ અને મણિપુર જેવા પ્રમુખ રાજ્યોનો સમાવેશ થાય છે. CBI ની અલગ-અલગ ટીમો સ્થાનિક પોલીસની મદદ લઈને કૌભાંડીઓના અડ્ડાઓ, શંકાસ્પદ કોલ સેન્ટરો અને કથિત એજન્ટોના નિવાસસ્થાને દરોડા પાડી રહી છે. તપાસ દરમિયાન મોટા પાયે લેપટોપ, મોબાઈલ ફોન, સેંકડો સિમકાર્ડ, ફેક આઈડી પ્રૂફ અને વાંધાજનક ડિજિટલ દસ્તાવેજો રિકવર કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

ડિજીટલ માફિયાઓના કારનામા વધ્યા

છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં કાયદા અમલીકરણ એજન્સીઓ અને સીબીઆઈ કે પોલીસના નામે લોકોને કલાકો સુધી વીડિયો કોલ પર 'ડિજિટલ અરેસ્ટ' રાખી મની લોન્ડરિંગ કે ડ્રગ્સ કેસના નામે બ્લેકમેલ કરવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મન કી બાત કાર્યક્રમમાં આ સ્કેમથી બચવા લોકોને અપીલ કરી હતી. આ આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા સ્કેમર્સના બેંક ખાતાઓ અને હવાલા નેટવર્કની કડીઓ શોધવા માટે CBI એ આ એક્શન લીધું છે. હાલમાં પણ દેશના જુદા જુદા 16 રાજ્યોમાં ઓપરેશન ચાલુ છે, જેમાં આગામી કલાકોમાં મોટી ધરપકડો થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. 


આ પણ વાંચો----    Venezuela Earthquake : ભયાનક ભૂકંપના 5 Video, આંખના પલકારામાં ગગનચુંબી ઇમારતો જમીનદોસ્ત, ચારેય તરફ માત્ર ચીસાચીસ

  • Follow us on: