કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં અજાણ્યા હુમલાખોરોએ એક મેડિકલ સ્ટોરમાં ઘૂસી કેશિયરની ગોળી મારીને હત્યા કરી દીધી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને દહેશતનો માહોલ ફેલાયો છે. ઘટના ચંડીગઢના સેક્ટર-11 વિસ્તારમાં આવેલી પોસ્ટગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્સ પાસે આવેલી કુમાર મેડિકલ સ્ટોરમાં શનિવાર બપોરે બની હતી. મળતી માહિતી મુજબ, બે-ત્રણ હુમલાખોરો ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં પ્રવેશ્યા હતા.

દુકાનમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ

આરોપીઓએ દુકાનમાં જ ઓટોમેટિક પિસ્તોલ કાઢી અને કેશિયર જાંકી રામની સીટ પાસે જઈને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. ગોળી વાગવાથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં આરોપીઓ નિર્ભયતાથી ફાયરિંગ કરતા દેખાઈ રહ્યા છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ બે નહીં પરંતુ ત્રણ હતા અને તેઓ સ્કૂટી પર આવીને ઘટનાને અંજામ આપી ફરાર થયા હતા.

પોલીસ તપાસ તેજ કરવામાં આવી

પોલીસના જણાવ્યા મુજબ, મૃતક જાંકી રામે અગાઉ હિમાચલ પ્રદેશમાં સરપંચની ચૂંટણી જીતી હતી. પ્રાથમિક તપાસમાં આ કેસને અલગ એંગલથી પણ તપાસવામાં આવી રહ્યો છે. કુમાર બ્રધર્સને અગાઉ ધમકીભર્યા ફોન પણ મળ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને FSL ટીમ ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્રિત કરી રહી છે. પોલીસે આરોપીઓને ઝડપવા માટે તપાસ તેજ કરી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ થશે તેમ જણાવ્યું છે. આ ઘટનાએ વેપારી વર્ગમાં ભારે ભયનો માહોલ ઉભો કર્યો છે અને સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો : West Bengal Politics: અભિષેક બેનર્જીને પહેલા કહ્યો અહંકારી અને હવે દીકરા જેવા.. કલ્યાણ બેનર્જીના સૂર બદલાયા