આજનો યુગ ઝડપથી દોડતો થયો છે, જ્યાં દરેક વ્યક્તિ ઓછા સમયમાં વધુ મેળવવાની દોડમાં છે. મહેનત કરતા પહેલાં શોર્ટકટ શોધવાની આ માનસિકતા હવે પૈસા કમાવામાં પણ દેખાઈ રહી છે. પરંતુ ચમકદાર વચનો અને સરળ કમાણીના રસ્તાઓ ઘણી વખત સફળતાની સીડી નહીં, પરંતુ ભારે નુકસાન અને પસ્તાવાનો માર્ગ સાબિત થાય છે. તેનું ઉદારણ છે હાલમાં જ બનેલી એક ઘટના

દિલ્હી-NCRમાં બનેલી ઘટના

દિલ્હી-NCRમાં તાજેતરમાં બહાર આવેલી એક મોટી છેતરપિંડીની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. આ કેસમાં આરોપીઓએ સોશિયલ મીડિયા દ્વારા લોકોને ઝડપથી પૈસા કમાવાની લાલચ આપી અને અંદાજે 1,500 લોકો પાસેથી ₹100 કરોડથી વધુની રકમ પડાવી લીધી. પોલીસે આ કેસમાં વિનોદ અને વિનય નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. જો કે આરોપીઓની રીત પણ અનોખી હતી.

સોશિયલ મીડિયાથી છેતરપિંડી

આરોપીઓ પોતાને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટ અને પ્રેરક વક્તા તરીકે રજૂ કરતા હતા. તેઓ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક પર મોંઘી કાર, લક્ઝરી હોટલ, બ્રાન્ડેડ કપડાં અને મોટા સેમિનારના ફોટા અને વીડિયો પોસ્ટ કરતા હતા. આ બધું જોઈને સામાન્ય લોકોમાં એવો વિશ્વાસ ઊભો થતો કે આ લોકો ખરેખર સફળ અને વિશ્વસનીય છે.

નકલી વેબસાઇટ્સ અને સેમિનાર

આ છેતરપિંડીનું મુખ્ય હથિયાર નકલી વેબસાઇટ્સ અને સેમિનાર હતા. વ્યાવસાયિક રીતે તૈયાર કરેલી વેબસાઇટ્સ પર ડિજિટલ માર્કેટિંગ, ઓનલાઈન ટ્રેડિંગ અને રોકાણ દ્વારા ઝડપથી મોટો નફો કમાવવાના દાવા કરવામાં આવતા. નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ અને દિલ્હીમાં ભવ્ય સેમિનાર યોજવામાં આવતા, જ્યાં મોટા સ્ટેજ, બ્રાન્ડેડ ટી-શર્ટ અને ટીમનો ઉપયોગ કરીને મોટી કંપની જેવી છાપ ઊભી કરવામાં આવતી. શરૂઆતમાં નાની રકમનું રોકાણ કરાવતા

શરૂઆતમાં નાની રકમનું રોકાણ કરાવતા

શરૂઆતમાં લોકોને નાની રકમનું રોકાણ કરાવાતું અને થોડીક રકમનો નફો બતાવીને તેમનો વિશ્વાસ જીતવામાં આવતો. પછી ધીમે ધીમે મોટા પેકેજ અને લાખો રૂપિયાનું રોકાણ કરવા માટે લલચાવવામાં આવતાં. એકવાર મોટી રકમ રોકાઈ જાય પછી, પીડિતોના ઓનલાઈન એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવતા અથવા સંપર્ક સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવતો.

નકલી કંપનીઓના નામે અનેક બેંક ખાતા

પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપીઓએ નકલી કંપનીઓના નામે અનેક બેંક ખાતા ખોલ્યા હતા. આ ખાતાઓ દ્વારા રોકાણની રકમ એકત્ર કરવામાં આવતી અને પછી રોકડ અથવા અન્ય માધ્યમથી પૈસા ઉપાડી લેવામાં આવતા. ઘણા લોકોએ પોતાની જીવનભરની બચત, લોન અને સંબંધીઓ પાસેથી ઉધાર લીધેલા પૈસા પણ આ યોજનામાં નાખ્યા હતા.

છેલ્લે કર્યો પોલીસનો સંપર્ક

જ્યારે લાંબા સમય સુધી ન તો નફો મળ્યો અને ન તો પૈસા પરત આવ્યા, ત્યારે પીડિતોને છેતરપિંડીનો અહેસાસ થયો અને તેમણે પોલીસનો સંપર્ક કર્યો. પોલીસ અને સાયબર સેલે લોકોને ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર દેખાતી “ઝડપથી ધનવાન બનવાની” કોઈપણ યોજનામાં રોકાણ કરતા પહેલા કંપનીની નોંધણી, દસ્તાવેજો અને વિશ્વસનીયતા સારી રીતે તપાસવી જોઈએ. શંકા થાય તો તરત જ સાયબર ક્રાઈમ પોર્ટલ અથવા પોલીસમાં ફરિયાદ નોંધાવવી જરૂરી છે.

આ પણ વાંચો : India-US Trade Deal: ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે ભારત-અમેરિકા વેપાર સોદો ફરી અટક્યો!