ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચર્ચામાં રહેલો દ્વિપક્ષીય વેપાર સોદો હાલ ફરી અનિશ્ચિત સ્થિતિમાં છે. તાજેતરના અહેવાલો અનુસાર, નજીકના ભવિષ્યમાં બંને દેશો વચ્ચે વેપાર સોદા પર કોઈ સત્તાવાર વાટાઘાટો થવાની શક્યતા નથી. આ માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરતા દેશો પર 25 ટકા વધારાના ટેરિફ લગાડવાની નવી ધમકી આપી છે.

13 જાન્યુઆરીથી વેપાર સોદા અંગેની ફરી વાતચીત

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે અગાઉ કહ્યું હતું કે 13 જાન્યુઆરીથી વેપાર સોદા અંગેની વાતચીત ફરી શરૂ થશે. જોકે, હવે ભારતીય અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ અઠવાડિયે અમેરિકા સાથે કોઈ બેઠક નક્કી નથી. વાણિજ્ય મંત્રાલયને વોશિંગ્ટન તરફથી નવી વાટાઘાટો અંગે કોઈ સત્તાવાર સંદેશો મળ્યો નથી.

વરિષ્ઠ અધિરાકીની ખાનગી માહિતી

એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, “આ મહિને વાટાઘાટો થશે કે નહીં તે અંગે કોઈ ખાતરી નથી. ઓછામાં ઓછું આ અઠવાડિયે તો કંઈ નક્કી નથી.” આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે વેપાર સોદા પરની ચર્ચા ફરી ધીમી પડી છે.

બંને દેશો આ કરારને લઇને ગંભીર

US રાજદૂતએ કહ્યું છે કે બંને દેશો આ કરારને લઈને ગંભીર છે. તેમના જણાવ્યા મુજબ, ભારત મોટું અને જટિલ બજાર હોવાથી આવા કરારોને અંતિમ સ્વરૂપ આપવું સહેલું નથી, પરંતુ બંને પક્ષો સતત પ્રયત્ન કરી રહ્યા છે. વેપાર વાટાઘાટોમાં સૌથી મોટો મુદ્દો ટેરિફનો છે. હાલમાં ભારતીય ઉત્પાદનોને અમેરિકામાં લગભગ 50 ટકા સુધીના ટેરિફનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત આ ઊંચા ટેરિફમાં રાહત માંગે છે. ભારતીય વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે ગયા મહિને કહ્યું હતું કે બંને દેશો એક કામચલાઉ કરારની નજીક છે, પરંતુ કોઈ સ્પષ્ટ સમયરેખા આપવાનો તેમણે ઇનકાર કર્યો હતો.

 ભારતીય નિકાસ મજબૂત

આ બધાની વચ્ચે એક મહત્વપૂર્ણ બાબત એ છે કે ઊંચા ટેરિફ હોવા છતાં ભારતીય નિકાસ મજબૂત રહી છે. એપ્રિલથી નવેમ્બર દરમિયાન ભારતીય નિકાસમાં વાર્ષિક ધોરણે 11.4 ટકાનો વધારો થયો છે અને તે 59 અબજ ડોલરથી વધુ રહી છે. તેમ છતાં, જો અમેરિકામાં રશિયા અને તેના વેપાર ભાગીદારો સામે કડક પ્રતિબંધો પસાર થાય છે અથવા ઈરાન મુદ્દે નવા ટેરિફ લાગુ થાય છે, તો તેનો સીધો અસર ભારતીય નિકાસકારો પર પડી શકે છે.

આ પણ વાંચો : ભારત Iranથી શું ખરીદે છે અને વેચે છે? ટ્રમ્પની 25% ટેરિફ અસર જાણો!