દેશના મુખ્ય હવાઈ મથકો પર સુરક્ષા એજન્સીઓ અને કસ્ટમ વિભાગ દ્વારા ડ્રગ્સ તસ્કરી સામે સતત સકંજો કસાવામાં આવી રહ્યો છે. આ દરમિયાન રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગ દ્વારા ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત એક જ દિવસમાં મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. એરપોર્ટ પર બેંગકોકથી આવેલી બે અલગ-અલગ મહિલાઓ પાસેથી કરોડો રૂપિયાનો પ્રતિબંધિત ગાંજો ઝડપાઈ આવ્યો છે.

ગ્રીન ચેનલ પર શંકાના આધારે તપાસ હાથ ધરી

પ્રાપ્ત વિગતો અનુસાર, કસ્ટમ્સની પ્રોફાઇલિંગ અને ચોક્કસ બાતમીના આધારે બેંગકોકથી ફ્લાઇટ દ્વારા દિલ્હી પહોંચેલી બે ભારતીય મહિલાઓની ગતિવિધિઓ શંકાસ્પદ જણાતા તેમને ગ્રીન ચેનલ પર રોકવામાં આવી હતી. ત્યારબાદ અધિકારીઓ દ્વારા તેમની લગેજ અને ટ્રોલી બેગની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા.

ટ્રોલી બેગમાં છુપાવીને કરાતી હતી ડ્રગ્સની હેરાફેરી

તપાસ દરમિયાન બંને મહિલાઓની ટ્રોલી બેગમાંથી વિશેષ રીતે છુપાવવામાં આવેલો વિદેશી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પ્રથમ કેસમાં ટ્રોલી બેગમાંથી 6.540 કિલોગ્રામ ગાંજો ઝડપાયો હતો, જ્યારે બીજા કેસમાં અન્ય એક ટ્રોલી બેગમાંથી 2.988 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, બંને મહિલાઓ પાસેથી કુલ 9.528 કિલોગ્રામ ગાંજો કસ્ટમ્સ દ્વારા કબજે કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 3.33 કરોડ રૂપિયા આંકવામાં આવી

કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલા આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત આશરે 3.33 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. વિદેશથી આ પ્રકારે ટ્રોલી બેગમાં ડ્રગ્સ છુપાવીને દેશમાં લાવવાના આ રેકેટને લઈને સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.

NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી બંને મહિલાઓની ધરપકડ

કસ્ટમ્સ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ) ની કલમ 8, 20, 23 અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ બંને મહિલાઓની ધરપકડ કરીને આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટમાં કોણ-કોણ સંડોવાયેલું છે અને આ જથ્થો કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો: Explainer: દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે કેમ આવે છે 'ધોકો'?