હાલ સમગ્ર દેશમાં મા આદ્ય શક્તિનું આરાધના પર્વ ચાલી રહ્યું છે ત્યારે મા દુર્ગાનું સ્વરુપ ગણાતી ગાઝિયાબાદની મહિલા પોલીસ અધિકારીઓએ પોતાનું રોદ્ર સ્વરુપ દર્શાવ્યું હતું અને એક અપરાધીનું એન્કાઉન્ટ કર્યું હતું. આ એન્કાઉન્ટર ટીમમાં એક પણ પુરુષ પોલીસ અધિકારી ન હતો તે વાત મહત્વની છે
મહિલા પોલીસ અધિકારીઓ પર ગોળીબાર
નવરાત્રીના પવિત્ર દિવસોમાં શક્તિની પૂજા થઈ રહી છે, ત્યારે ગાઝિયાબાદમાં મહિલા શક્તિનું સાચું સ્વરૂપ જોવા મળ્યું છે. ગાઝિયાબાદના મહિલા પોલીસ સ્ટેશનના મહિલા અધિકારીઓએ એક કુખ્યાત ગુનેગારનું એન્કાઉન્ટર કરી તેને પકડી લીધો હતો. આ ઘટના લોહિયા નગર ચોકી કટ ખાતે બની હતી, જ્યાં ચેકિંગ દરમિયાન, મહિલા પોલીસે સ્કૂટર ચલાવતા એક યુવાનને રોકવાનો ઈશારો કર્યો પણ આ શખ્સે રોકવાને બદલે મહિલા પોલીસ અધિકારીઓ પર ગોળીબાર શરુ કરી દીધો હતો.
તેના પગમાં ગોળી મારી
મહિલા અધિકારીઓ પર ફાયરીંગ કરીને તે ભાગવા માડ્યો હતો પણ મહિલા પોલીસ અધિકારીઓએ તેનો સામો પ્રહાર કરીને તેના પગમાં ગોળી મારી હતી જેથી આરોપી ઘાયલ થઇ ગયો હતો. ધરપકડ કરાયેલ ગુનેગારની ઓળખ અલીગઢના રહેવાસી જીતેન્દ્ર તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેની સામે લૂંટ, ચોરી સહિતના વિવિધ ગુનાઓના આઠથી વધુ કેસ નોંધાયેલા છે. ઘટનાસ્થળેથી સ્કૂટર, ચોરાયેલી ટેબ્લેટ, મોબાઇલ ફોન, ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. ઘાયલ આરોપીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને વધુ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ટીમનું નેતૃત્વ એસઓ રીતુ ત્યાગીએ કર્યું
એન્કાઉન્ટરમાં સામેલ મહિલા પોલીસ સ્ટેશનની આ ટીમનું નેતૃત્વ એસઓ રીતુ ત્યાગી કરી રહ્યા હતા. તેમની સાથે સબ-ઇન્સ્પેક્ટર વિનીતા યાદવ તથા સબ-ઇન્સ્પેક્ટર ભુવનેશ્વરી સિંહ અને કોન્સ્ટેબલ નીતુ અને કોન્સ્ટેબલ મમતા તેમની સાથે હતા. આ સમગ્ર કામગીરી એસીપી નંદગ્રામ ઉપાસના પાંડેના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવી હતી.
મહિલા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ રીતુ ત્યાગી કોણ
આ એન્કાઉન્ટરને અંજામ આપનાર મહિલા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ રીતુ ત્યાગી 1998 બેચની કોન્સ્ટેબલ છે. તે 2008માં હેડ કોન્સ્ટેબલ, 2016માં સબ-ઇન્સ્પેક્ટર બની હતી અને 6 જૂન, 2024થી ગાઝિયાબાદ મહિલા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ તરીકે પોસ્ટ કરવામાં આવી છે. મૂળ સહારનપુરની રહેવાસી, રીતુ ત્યાગી અગાઉ મેરઠ મહિલા પોલીસ સ્ટેશનમાં પણ ફરજ બજાવી ચૂકી છે.
મહિલાઓ કોઈનાથી ઓછી નથી.
રીતુનું આ પહેલું એન્કાઉન્ટર હતું, અને તેમાં કોઈ પુરુષ પોલીસ કર્મચારી સામેલ નહોતા. બેરિયર પર ચેકપોઇન્ટનું સંચાલન કરતી મહિલા ટીમે ગુનેગારના ફાયરિંગનો જોરદાર જવાબ આપ્યો. રીતુ ત્યાગીએ જણાવ્યું કે મહિલાઓ કોઈનાથી ઓછી નથી.
એન્કાઉન્ટરમાં વિનીતા યાદવે બીજી ગોળી ચલાવી
મૂળ રાયબરેલીના સબ-ઇન્સ્પેક્ટર વિનીતા યાદવ 2013 બેચના સબ-ઇન્સ્પેક્ટર છે. શરૂઆતમાં, તે બહરાઇચ અને પછી ગૌતમ બુદ્ધ નગરમાં પોસ્ટેડ હતા. હાલમાં, તે ગાઝિયાબાદ મહિલા પોલીસ સ્ટેશનમાં પોસ્ટેડ છે. આ એન્કાઉન્ટરમાં વિનીતા યાદવે બીજી ગોળી ચલાવી હતી જે સાબબિત કરે છે કે મહિલાઓની તાલીમ, ફરજ અને જવાબદારી કોઈપણ પુરુષ પોલીસ અધિકારી કરતા ઓછી નથી. અગાઉ, 2022 માં, નોઇડામાં જજ સોસાયટીમાં પોસ્ટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતી વખતે પણ તે એક હત્યાના આરોપીના એન્કાઉન્ટરમાં સામેલ હતા
ગુનેગારોએ કાં તો ગુનો છોડી દેવો જોઈએ અથવા ...
મિશન શક્તિના ભાગ રૂપે, જ્યારે આ એન્કાઉન્ટર થયું ત્યારે મહિલા પોલીસ અધિકારીઓ બેરીકેડ ગોઠવીને તપાસ કરી રહી હતી. મહિલા પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ગુનેગારોએ કાં તો ગુનો છોડી દેવો જોઈએ અથવા ગાઝિયાબાદ પોલીસ દ્વારા બદલો લેવાની કાર્યવાહી માટે તૈયાર રહેવું જોઈએ.