ગ્રેટર નોઈડાના ઈકોટૅક-3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હલ્દૌની ગામમાં 7 વર્ષની માસૂમ બાળકીની ગળું દબાવીને હત્યા કરવાના મામલામાં પોલીસે આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. પોલીસ આરોપી બલરાજને ઘટનાસ્થળે લઈ ગઈ હતી ત્યારે તે અચાનક પોલીસ કસ્ટડીમાંથી ભાગવા લાગ્યો હતો. પોલીસે તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ એક સબ-ઇન્સ્પેક્ટરની પિસ્તોલ છીનવી લઈને પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.
ગોળી આરોપીને વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થયો
પોલીસે જવાબી કાર્યવાહી કરતાં ગોળીબાર કર્યો, જેમાં પોલીસની એક ગોળી આરોપીને વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસ ટીમ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મળતી માહિતી મુજબ, મામલો ગ્રેટર નોઈડાના હલ્દૌની ગામનો છે. 28 ઓગસ્ટની સાંજે બાળકીના પરિવારજનોએ પોલીસને બાળકી ગુમ થયાની જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસે બાળકીની શોધ માટે પાંચ ટીમો બનાવી હતી. તપાસ દરમિયાન આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરાની ફૂટેજ તપાસવામાં આવી હતી.
ગ્રેટર નોઈડા સેન્ટ્રલ ઝોનના એડિશનલ DCPએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી હતી. હત્યા કર્યા પછી બાળકીના મૃતદેહને બોરીમાં ભરીને ઠેકાણે લગાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાસ્થળેથી ભાગતી વખતે વાગી ગોળી
પોલીસ આરોપીને પકડવા માટે સતત દરોડા પાડી રહી હતી. તેના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડીને તેની શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. એડિશનલ DCPએ જણાવ્યું કે જ્યારે આરોપીને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યો, ત્યારે તેણે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે એક દરોગાની પિસ્તોલ છીનવી લઈને પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
હોસ્પિટલ લઈ જતી વખતે મોત
પોલીસની જવાબી કાર્યવાહીમાં ગોળી વાગવાથી આરોપી ઘાયલ થયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક બાળકીના પરિવારજનો સતત આરોપીને ફાંસીની સજા આપવાની માગ કરી રહ્યા હતા. માસૂમ બાળકીના હત્યારાના મોતના સમાચાર મળતા પરિવારજનોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : Uttrakhand : રુદ્રપુરમાં ભડકાઉ ભાષણ બદલ મૌલાનાની ધરપકડ, CM ધામીએ આપ્યો કડક સંદેશ