મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના ડબરા સ્થિત પિછોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં મોટી અકબઈ ગામ પાસે 50થી વધુ બાળકોથી ભરેલી સ્કૂલ બસ પર અજાણ્યા કાર સવારોએ અચાનક હુમલો કરી દીધો હતો. રસ્તા પર કાર ઉભી રાખવા બાબતે શરૂ થયેલો બોલાચાલીનો વિવાદ એટલો વધી ગયો કે કાર સવારોએ આપા ખોઈ બેઠા હતા. સદનસીબે આ ગોળીબારમાં બસમાં સવાર તમામ બાળકોનો આબાદ બચાવ થયો છે, પરંતુ અચાનક થયેલા ફાઇરિંગથી માસુમ બાળકોમાં ભારે ફફડાટ અને દહેશતનો માહોલ સર્જાયો હતો.

કાર હટાવવાના સામાન્ય વિવાદમાં 4 રાઉન્ડ ગોળીબાર

ઘટનાની વિગતો મુજબ, સ્કૂલ બસના ડ્રાઇવર ખેમ સિંહે રસ્તા વચ્ચે ઉભેલી કારના ચાલકને વાહન બાજુ પર લેવા કહ્યું હતું જેથી બસ આગળ નીકળી શકે. કાર સવારોએ દાવો કર્યો હતો કે તેમની કારનું પેટ્રોલ પૂરું થઈ ગયું છે. આ પછી બસ ડ્રાઇવરે કારને ધક્કો મારીને બાજુ પર ખસેડવાની વાત કરી, જેનાથી કાર સવાર યુવકો ઉશ્કેરાઈ ગયા હતા. તકરાર વધતા આ યુવકોએ પહેલા ડ્રાઇવર ખેમ સિંહ સાથે કૂટમાર કરી અને ત્યારબાદ કટ્ટા (દેશી તમંચા) વડે ધડાધડ ચાર રાઉન્ડ ફાઇરિંગ કરી દીધું હતું. આ ફાઇરિંગમાં ડ્રાઇવરને છર્રા વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

પોલીસ તપાસ અને આરોપીઓની શોધખોળ શરુ

ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસડીઓપી (SDOP) સૌરભ કુમાર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિનો જાયજો લીધો હતો. ઘાયલ બસ ડ્રાઇવરને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ ઇલાજ માટે ગ્વાલિયર રિફર કરવામાં આવ્યો છે. હાલ પોલીસે અજાણ્યા કાર સવાર હુમલાખોરો વિરૂદ્ધ ગુનો નોંધીને તેમની ઓળખ મેળવવા અને ઝડપી પાડવા માટે ચારેય તરફ નાકાબંધી કરી તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો : Rain : ચોમાસું આખરી તબક્કામાં છતાં આજી, ન્યાયી અને ભાદર ખાલીખમ! માત્ર ગ્રામ્ય જ નહીં, સૌરાષ્ટ્રના શહેરોમાં પણ ઘેરાતી પાણીની વિકટ સમસ્યા