બેંગલુરુના નાગવારા વિસ્તારની તાજ હોટલમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે, જ્યાં 40 વર્ષીય એસજી ઇમરાને તેની બે નિર્દોષ પુત્રીઓ—5 વર્ષીય શેખ ઝેહરા અને 10 વર્ષીય શેખ ઝોયાની ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. બાળકીઓની હત્યા કર્યા બાદ ઇમરાને પોતે પણ ગળું કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હોટલ સ્ટાફે તેને ગંભીર હાલતમાં મણિપાલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે અને તે ખતરાથી બહાર છે.

દુબઈના મહેમાનનું બહાનું બનાવી હોટલમાં રોકાયો હતો આરોપી

ખાનગી કેબ કંપનીમાં મેનેજર તરીકે કામ કરતો ઇમરાન રવિવાર (9 ઓગસ્ટ)ની સાંજે પોતાની બંને પુત્રીઓ સાથે હોટલના ચોથા માળે રૂમ રાખીને રોકાયો હતો. તેણે હોટલ સ્ટાફને કહ્યું હતું કે, દુબઈથી આવનારા મહેમાનને રિસીવ કરવા માટે તે રૂમ રાખી રહ્યો છે અને સોમવારે સવારે ચેક-આઉટ કરી દેશે. પરંતુ સોમવારે સાંજે પણ રૂમનો દરવાજો ન ખુલતા હોટલ મેનેજરે ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલ્યો ત્યારે બંને બાળકીઓ બેડ પર મૃત હાલતમાં અને ઇમરાન સોફા પાસે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.

પત્નીના અફેરની શંકામાં આપઘાત નોટ લખી આચર્યો ગુનો

ઘટનાસ્થળેથી નોર્થ-ઈસ્ટ ડિવિઝનની પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી છે, જે ઇમરાને લખી હોવાની શંકા છે. નોટમાં તેણે પોતાની પત્નીના બીજા પુરુષ સાથેના આડા સંબંધો અને તેના પુરાવા હોવાનો દાવો કર્યો છે. તેણે લખ્યું હતું કે, પત્નીના અફેરથી તંગ આવીને તે પોતાની પુત્રીઓને પણ પોતાની સાથે લઈ જઈ રહ્યો છે. હાલ પોલીસે ડીસીપી મિથુન કુમાર જીકેના નેતૃત્વમાં ગુનો નોંધીને ઘટનાસ્થળેથી મળેલા પુરાવા અને કૌટુંબિક વિવાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ટ્રેની IPS પર રૂ. 1 કરોડની લાંચનો ગંભીર આરોપ, દિલ્હી CBI કોર્ટનો આદેશ, DGP પાસે ATR માંગ્યો