મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના આળી ગામમાં એક અત્યંત કરુણ અને દિલ દહેલાવી દેનારો બનાવ સામે આવ્યો છે. ગામના ધૂલ બયડી ફળિયામાં અચાનક એક અજાણ્યો શખ્સ અપાચે બાઇક પર આવ્યો અને સીધો કાલુ સિંહના ઘરમાં ઘૂસી ગયો. તે પલંગ પર બેસી ગયો, જેને કારણે કાલુ સિંહ અને તેમની પત્નીએ પૂછ્યું કે તે કોણ છે અને શા માટે આવ્યો છે. તે સમયે તેમનો પાંચ વર્ષનો માસૂમ પુત્ર વિકાસ પાસે બેસીને રમી રહ્યો હતો. અચાનક તે શખ્સ ઊભો થયો અને ઘરમાં ટાંગેલું ધારદાર હથિયાર લઈને લહેરાવા લાગ્યો. કાલુ સિંહ ડરીને ઘરની બહાર દોડી ગયા, પણ તેમની પત્ની કંઈ સમજે તે પહેલાં જ આરોપીએ નિર્દોષ બાળક પર તાબડતોબ હુમલો કરી દીધો.
લોહીનો ફુવારો જોઈ માતા બેહોશ
આ હૃદયદ્રાવક હુમલામાં માસૂમ બાળક વિકાસનું ગળું ધડથી અલગ થઈ ગયું અને તેણે હથિયારથી બાળકના શરીરના ત્રણ ટુકડા કરી નાખ્યા. ઘરમાં લોહીની ધાર વહેવા લાગી. આ ભયાનક દ્રશ્ય જોઈને માસૂમ બાળકની માતા બેહાલ થઈ ગઈ, જોર-જોરથી ચીસો પાડવા લાગી અને બેહોશ થઈને ઢળી પડી. શોરબકોર થતાં આરોપી પોતાની બાઇક ત્યાં જ મૂકીને ભાગી ગયો. મહિલાની ચીસો સાંભળીને ગ્રામજનોનું ટોળું ભેગું થયું. આક્રોશિત ગ્રામજનોએ ભાગતા શખ્સને પકડી લીધો, તેને બાંધી દીધો અને ખૂબ માર માર્યો, જેનાથી તે અધમૂઓ થઈ ગયો.













