પંજાબમાં સક્રિય ડ્રગ્સ સપ્લાય નેટવર્ક સામે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 17.194 કિલોગ્રામ નશીલા પદાર્થની જપ્તીના ગંભીર કેસમાં લાંબા સમયથી ફરાર ચાલી રહેલા આરોપી હરમનજીત સિંહ સંધુ સામે કાનૂની શિકંજો કસવામાં આવ્યો છે. NCB દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ગેરકાયદેસર કમાણીમાંથી ઊભી કરવામાં આવેલી આરોપીની આશરે 2.80 કરોડ રૂપિયાની સંપત્તિ તાત્કાલિક અસરથી ફ્રીઝ કરી દેવામાં આવી છે.

તરનતારનમાં મકાન, ખેતીની જમીન અને વાહનો ટાંચમાં લેવાયા

NCBની ટીમે આરોપી હરમનજીત સિંહ સંધુની પંજાબના તરનતારન ખાતે આવેલી કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતોની ઓળખ કરીને તેને ટાંચમાં લીધી છે. ફ્રીઝ કરાયેલી મિલકતોમાં એક મકાન, કિંમતી ખેતીની જમીન અને બે વાહનોનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી સીધો પાકિસ્તાનથી ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ ભારતમાં મંગાવતો હતો અને અન્ય લોકો મારફતે તેની અલગ-અલગ વિસ્તારોમાં ડિલિવરી કરાવતો હતો.

માહિતી આપનાર માટે 1 લાખનું ઈનામ જાહેર કરાયું

પાકિસ્તાની સરહદેથી ચાલતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલા આ આરોપીને ઝડપી પાડવા માટે તપાસ એજન્સીઓએ ચક્ર ગતિમાન કર્યા છે. પોલીસ અને તંત્રથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયેલા હરમનજીત સિંહ સંધુની સચોટ માહિતી આપનાર કે તેને પકડવામાં મદદ કરનાર વ્યક્તિ માટે NCB દ્વારા 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. NCBના આ આકરા પગલાથી સરહદ પારથી ચાલતા ડ્રગ સ્મગલિંગ નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.

આ પણ વાંચો : Nepal Flood : અમદાવાદ-વડોદરા સહિત સુરતના પણ 3 લોકો નેપાળ પૂરમાં થયા ગુમ, માહિતી આપનારનો ફોન પણ બંધ