26/11ના આતંકવાદી ષડયંત્રમાં સામેલ તહવ્વુર હુસૈન રાણાએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં મોટા ખુલાસા કર્યા છે. તેણે કહ્યુ છે કે, તે પાકિસ્તાની સેનાનો એજન્ટ હતો. ખલીજ યુદ્ધ દરમિયાન સાઉદી અરેબિયામાં પણ તેને મોકલવામાં આવ્યો હતો. રાણાએ વધુમાં કહ્યુ હતુ કે, લશ્કર-એ-તૈયબા માત્ર એક આતંકવાદી સંગઠન નથી. પરંતુ તે જાસૂસી નેટવર્કની જેમ કામ કરે છે. તેણે એ પણ સ્વીકાર્યું છે કે, તેના મિત્ર અને સાથીદાર ડેવિડ હેડલીએ લશ્કર માટે ઘણી વખત તાલીમ લીધી હતી.
26/11 મુંબઇ હુમલાનો મામલો
તહવ્વુર રાણાએ કહ્યું કે, મુંબઈમાં તેમની ઇમિગ્રેશન ફર્મનું સેન્ટર ખોલવાનો તેમનો વિચાર હતો અને તેનાથી સંબંધિત નાણાકીય વ્યવહારોને વ્યવસાયિક ખર્ચ તરીકે વર્ણવવામાં આવ્યા હતા. રાણાએ એ પણ સ્વીકાર્યું છે કે, જ્યારે વર્ષ 2008માં 26/11નો હુમલો થયો હતો. ત્યારે તે મુંબઈમાં હાજર હતો અને તે સંપૂર્ણપણે આતંકવાદી કાવતરાનો ભાગ હતો. તેણે કબૂલાત કરી કે તેણે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જેવા સ્થળોની રેકી કરી હતી. પૂછપરછ દરમિયાન રાણાએ સ્વીકાર્યું છે કે, આ હુમલો પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે મળીને કરવામાં આવ્યો હતો. હવે મુંબઈ પોલીસ રાણાની ધરપકડ કરીને તેને પોતાની કસ્ટડીમાં લેવાની તૈયારી કરી રહી છે.
રાણા અને હેડલી છે નજીકના મિત્ર
તહવ્વુર રાણા 26 નવેમ્બર 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદી ડેવિડ હેડલીનો નજીકનો મિત્ર હતો. હેડલીની પૂછપરછ દરમિયાન રાણાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 10 પાકિસ્તાની આતંકવાદીઓ અરબી સમુદ્રના રસ્તે મુંબઈ પહોંચ્યા અને રેલ્વે સ્ટેશન, બે લક્ઝરી હોટલ અને એક યહૂદી કેન્દ્ર પર હુમલો કર્યો હતો. લગભગ 60 કલાક સુધી ચાલેલા આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા. રાણા પર હેડલી લશ્કર-એ-તૈયબા, હરકત-ઉલ-જેહાદી ઇસ્લામી અને પાકિસ્તાન સાથે મળીને કાવતરું ઘડવાનો આરોપ છે.