મુંબઈના બોરીવલી વિસ્તારમાં પતિ-પત્નીના સંબંધોને જ નહીં પરંતુ દસ્તાવેજોની સુરક્ષાને પણ સવાલોના ઘેરામાં મૂકતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ પોતાના જ પતિને સરકારી દસ્તાવેજોમાં મૃત બતાવી તેમની સંયુક્ત માલિકીની મિલકત વેચવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. પોલીસે મહિલાની ધરપકડ કરી છે અને હવે ફેક દસ્તાવેજો કોણે તૈયાર કર્યા તેની તપાસ શરૂ કરી છે.

મિત્રના એક ફોનથી ખુલ્યો આખો ખેલ

ફરિયાદી કોલાબાની હોટલમાં કામ કરે છે. ફરિયાદી ના જણાવ્યા મુજબ, મે 2026માં તેમના મિત્ર પ્રસાદ પટાડેએ તેમને જાણ કરી હતી કે તેમનો બોરીવલીનો ફ્લેટ એક ખાનગી બેંક પાસે મોર્ગેજ કરવામાં આવ્યો છે. આ માહિતી મળતા ફરિયાદી અને તેમની માતાએ બેંકનો સંપર્ક કર્યો હતો.

રૂ.73.80 લાખનો ફ્લેટ, બંનેના નામે માલિકી

ફરિયાદી અને શાલિનીએ 2007માં લગ્ન કર્યા હતા. વર્ષ 2016માં બંનેએ બોરીવલીના એલ.એમ. રોડ પર આવેલી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં 1 BHK ફ્લેટ ખરીદ્યો હતો. ફ્લેટની કિંમત રૂ.73.80 લાખ હતી અને તેના માટે દંપતીએ રૂ.56 લાખની લોન લીધી હતી. ફરિયાદી નો દાવો છે કે લોનની હપ્તા તેમણે ચૂકવ્યા હતા. બાદમાં બંને અલગ રહેવા લાગ્યા હતા.

પતિને મૃત બતાવી ફ્લેટ વેચી નાખ્યો હોવાનો આરોપ

પોલીસ ફરિયાદ મુજબ શાલિનીએ ફરિયાદી નું ફેક ડેથ સર્ટિફિકેટ તૈયાર કરાવી તેનો ઉપયોગ ફ્લેટના વેચાણના દસ્તાવેજોમાં કર્યો હતો. આરોપ છે કે ફરિયાદી જીવિત હોવા છતાં કાગળ પર તેમને મૃત બતાવી દેવામાં આવ્યા અને ત્યારબાદ સંયુક્ત માલિકીનો ફ્લેટ વેચી નાખવામાં આવ્યો.

રૂ.1.11 કરોડમાં થયો ફ્લેટનો સોદો

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ ફ્લેટનું વેચાણ ધર્મેશ અને તેમની પત્ની ધારાને કરવામાં આવ્યું હતું. 11 એપ્રિલ 2025ના રોજ વેચાણનો દસ્તાવેજ રજિસ્ટર્ડ થયો હતો. આ સોદામાં શાલિનીને રૂ.1.11 કરોડ મળ્યા હોવાની માહિતી સામે આવી છે.

ફેક NOCથી પણ ખેલ કરવાનો આરોપ

મામલો માત્ર ડેથ સર્ટિફિકેટ સુધી સીમિત નથી. ફરિયાદ મુજબ સોસાયટીનું NOC પણ કથિત રીતે બનાવટી તૈયાર કરવામાં આવ્યું હતું. ફરિયાદી આ દસ્તાવેજ સોસાયટીના ચેરમેન, સેક્રેટરી અને ટ્રેઝરરને બતાવ્યો હતો. તેમણે કથિત NOC જારી કરવાનો ઇનકાર કર્યો હતો અને તેમાં રહેલા હસ્તાક્ષરો અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા.

પોતાને પતિની ‘કાયદેસર વારસદાર’ ગણાવી!

તપાસ દરમિયાન એક એફિડેવિટ પણ સામે આવ્યું છે, જેમાં શાલિનીને રયાનની કાયદેસર વારસદાર તરીકે દર્શાવવામાં આવી હતી. હવે પોલીસ એ તપાસી રહી છે કે ફેક ડેથ સર્ટિફિકેટ, NOC અને અન્ય દસ્તાવેજો કોણે તૈયાર કર્યા અને સમગ્ર કથિત કૌભાંડમાં શાલિનીને કોણે મદદ કરી.

9 સપ્ટેમ્બરે ધરપકડ, પોલીસ કસ્ટડીમાં મોકલાઈ

પોલીસે શાલિનીની 9 સપ્ટેમ્બર 2026ના રોજ ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને બોરીવલી મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી તેને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી છે. હવે પોલીસ ફેક દસ્તાવેજોથી લઈને ફ્લેટના વેચાણ અને રૂ.1.11 કરોડના વ્યવહાર સુધીની સમગ્ર કડીની તપાસ કરી રહી છે. 


આ પણ વાંચો :  Sandesh Digital Explainer : મકાન માલિક હવે 3 મહિનાનું ભાડુ એડવાન્સ લઇ શકશે, જાણો, તમારા મનમાં છે તે બધા સવાલોના જવાબ