દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET પેપર લીક કેસમાં તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ આ મામલે અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મહારાષ્ટ્રમાંથી એક, રાજસ્થાનમાંથી ત્રણ અને હરિયાણામાંથી એક વ્યક્તિનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી બાદ સમગ્ર દેશના શિક્ષણ ક્ષેત્રમાં ફરી એકવાર હલચલ મચી ગઈ છે.
https://twitter.com/ANI/status/2054556662808383767
પેપર લીકનું મોટું નેટવર્ક સામે આવવાની શક્યતા
આ કેસમાં સંડોવણીની શંકા ધરાવતા ચાર ડઝનથી વધુ લોકોની પણ અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. તપાસ દરમિયાન પેપર લીકનું મોટું નેટવર્ક સામે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એજન્સીઓ ડિજિટલ પુરાવા, મોબાઈલ ડેટા અને નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરી રહી છે.
આ કેસમાં મુખ્ય આરોપી માનવામાં આવતા શુભમ ખૈરનારને કાલે દિલ્હી લાવવામાં આવશે. ત્યારબાદ તેને CBIની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં તપાસ એજન્સી તેની કસ્ટડીની માગ કરી શકે છે. CBIને આશા છે કે શુભમની પૂછપરછથી પેપર લીક રેકેટના અન્ય સભ્યો અને સમગ્ર ગેંગ અંગે મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. NEET જેવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાના પેપર લીક થતાં લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે.
પરીક્ષાની વિશ્વસનીયતા પર પ્રશ્નો
વિદ્યાર્થીઓએ પરીક્ષાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. કેન્દ્ર સરકાર પણ આ મામલે ગંભીર બની છે અને પારદર્શક તપાસ માટે CBIને કેસ સોંપવામાં આવ્યો છે. તપાસ એજન્સીઓએ જણાવ્યું છે કે આ કેસમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. આગામી દિવસોમાં વધુ ધરપકડો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર દેશની નજર હવે CBIની તપાસ પર ટકેલી છે.
આ પણ વાંચો : Petrol-Diesel થશે મોંઘુ! RBI ગર્વનરે આપ્યા મોટા સંકેત