પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા અંગે ચર્ચા વચ્ચે હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ પણ મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે જો મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ લાંબા સમય સુધી ચાલુ રહે તો ભારતમાં ઇંધણના ભાવમાં વધારો થવો અણિવાર્ય બની શકે છે.
રિટેલ ઇંધણના ભાવ સ્થિર રાખવા મુશ્કેલ
આ પહેલા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હર્દીપ સિંહ પુરીએ પણ વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈંધણ બજાર પર દબાણ વધવાની શક્યતા વ્યક્ત કરી હતી. હવે RBI ગવર્નરના નિવેદન બાદ લોકોમાં મોંઘવારી વધવાની ચિંતા વધુ વધી ગઈ છે. સંજય મલ્હોત્રાએ સ્વિટ્ઝર્લેન્ડમાં સ્વિસ નેશનલ બેંક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) દ્વારા આયોજિત એક સમિટ દરમિયાન જણાવ્યું કે જો મધ્ય પૂર્વનો સંકટ વધુ લાંબો ચાલે તો સરકાર અને ઓઈલ કંપનીઓ માટે રિટેલ ઇંધણના ભાવ સ્થિર રાખવા મુશ્કેલ બની શકે છે. તેમણે ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટના સંભવિત બંધ થવાથી સપ્લાય ચેઇન પર પડતા ગંભીર અસરની પણ વાત કરી.
