શુક્રવારે ઓડિશાના સંબલપુરમાં ભ્રષ્ટાચાર વિરોધી વિભાગ (વિજિલન્સ) ની ટીમે બામડા મામલતદાર અશ્વિની કુમાર પાંડાને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. તહસીલદાર અશ્વિની કુમાર પાંડા પર ખેતીની જમીનને રહેણાંક જમીનમાં રૂપાંતરિત કરવા માટે એક ખેડૂત પાસેથી 20,000 રૂપિયાની માંગણી કરવાનો આરોપ છે. ફરિયાદ મળતાં, વિજિલન્સ અધિકારીઓએ છટકું ગોઠવ્યું અને મામલતદારને તેમના ડ્રાઇવર પી. પ્રવીણ કુમાર દ્વારા 15,000 રૂપિયાની લાંચ લેતા પકડી પાડ્યા હતા. 29 વર્ષીય અશ્વિની પાંડા એક સમયે ઓડિશાના આશાસ્પદ અધિકારીઓમાં ગણાતા હતા. તેમણે પહેલા કોઈપણ કોચિંગ વિના ઓડિશા સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી હતી અને મામલતદાર બન્યા હતા, પરંતુ હવે તેમના પર લાંચ લેવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.
નોકરી છોડી દીધી અને 2018 માં ઓડિશા પરત ફર્યા
અશ્વિની પાંડા જાજપુરના ધર્મશાલા બ્લોકના ખેતેરપાલ ગામના છે. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ જનકલ્યાણ હાઇ સ્કૂલમાંથી મેળવ્યું અને પછી રેવેનશો યુનિવર્સિટીમાંથી સાયન્સમાં પ્લસ ટુ કર્યું. 2015 માં, તેમણે બ્રહ્મપુરની એક ખાનગી કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બી.ટેક કર્યું. એન્જિનિયર બન્યા પછી, તેઓ દિલ્હી ગયા, જ્યાં તેમણે ત્રણ વર્ષ સુધી એક ખાનગી કંપનીમાં કામ કર્યું. પછી 2018 માં, તેઓ નોકરી છોડીને ઓડિશા પાછા ફર્યા અને સરકારી સેવા માટે તૈયારી શરૂ કરી.













