ભારતીય સેનાની 28 પંજાબ રેજિમેન્ટના સિપાહી રજત સિંહ છેલ્લા 8 વર્ષથી રહસ્યમય રીતે ગુમ છે. અલ્હાબાદ હાઈકોર્ટે આ મામલે કેન્દ્રીય તપાસ બ્યુરોને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. 28 જુલાઈ 2018થી ગુમ સૈનિકને શોધવા માટે અદાલતે આ પગલાને અંતિમ પ્રયાસ ગણાવ્યો છે. 4 નવેમ્બર 2026ના રોજ જસ્ટિસ અતુલ શ્રીધરન અને જસ્ટિસ અચલ સચદેવની ખંડપીઠે આ નિર્દેશ આપ્યો હતો.
બરેેલીમાં છેલ્લે જોવા મળ્યા હતા રજત સિંહ
રજત સિંહ ઉત્તરાખંડના પિથોરાગઢમાં 28 પંજાબ રેજિમેન્ટમાં ફરજ પર હતા. ત્યારબાદ નિવૃત્ત કર્નલ એકે દુબે દ્વારા તેમને ઉત્તર પ્રદેશના બરેલીમાં પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. આ પ્રતિનિયુક્તિ નિયમો અનુસાર નહોતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. રજત સિંહને છેલ્લે 28 જુલાઈ 2018ના રોજ બરેલીમાં ઉત્તર ભારત વિસ્તારના મુખ્યાલયની અધિકારીઓની મેસમાં જોવામાં આવ્યા હતા. ત્યારથી તેમનો કોઈ પત્તો મળ્યો નથી.
પિતાએ ન્યાય માટે વર્ષો સુધી સંઘર્ષ કર્યો
પંજાબના હોશિયારપુર જિલ્લાના ડમોવાલ ગામના રહેવાસી રજત સિંહના પિતા ઉપદેશ સિંહ વર્ષોથી પોતાના પુત્રને શોધવા માટે પ્રયાસ કરી રહ્યા છે. 30 જુલાઈ 2019ના રોજ બરેલી છાવણી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 364 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ કલમ હત્યાના ઇરાદે અપહરણ કરવા સંબંધિત છે.
2019માં હાઈકોર્ટે લીધું હતું સ્વયં સંજ્ઞાન
તપાસમાં પ્રગતિ ન થતાં ઉપદેશ સિંહે અલ્હાબાદ હાઈકોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ ગોવિંદ માથુરને પત્ર લખીને ન્યાયિક હસ્તક્ષેપની માગ કરી હતી. હાઈકોર્ટે આ પત્રને સ્વયં સંજ્ઞાનમાં લઈને બંધિ પ્રત્યક્ષીકરણ અરજી તરીકે નોંધ્યો હતો. 2 ઓક્ટોબર 2019ના રોજ ગાંધી જયંતીની રાષ્ટ્રીય રજા હોવા છતાં અદાલતે આ મામલે વિશેષ સુનાવણી યોજી હતી.
પોલીસ તપાસ છતાં કોઈ નક્કર માહિતી મળી નહીં
સુનાવણી દરમિયાન બરેલી છાવણીમાં મિલિટરી પોલીસના કમાન્ડિંગ અધિકારીને સૈનિક સંબંધિત તમામ જરૂરી માહિતી રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. તપાસ અધિકારીએ મિલિટરી પોલીસની મદદ માગી હતી અને લાન્સ નાયક બલવંત સિંહને પૂછપરછ માટે ઉપલબ્ધ કરાવવાની વિનંતી કરી હતી. જોકે, આ વિનંતીનો જવાબ મળ્યો ન હોવાનો આક્ષેપ છે. ઉત્તર પ્રદેશ પોલીસના અનેક પ્રયાસો છતાં રજત સિંહ વિશે કોઈ નક્કર માહિતી મળી શકી નહોતી.
CBIને સૈનિકને શોધીને અદાલતમાં રજૂ કરવા સૂચના
હાઈકોર્ટે હવે સીબીઆઈને રજત સિંહને શોધવાનો પ્રયાસ કરવા અને શક્ય હોય તો તેમને અદાલત સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. જો તપાસ એજન્સી તેમને શોધવામાં નિષ્ફળ જાય તો તપાસ દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહીનો વિગતવાર અહેવાલ રજૂ કરવો પડશે. તેના આધારે હાઈકોર્ટ આગળના આદેશો અંગે નિર્ણય લેશે.
આ પણ વાંચો : Delhi : પ્રણવ મુખર્જી વડાપ્રધાન બનવા ઇચ્છતા હતા તો તેમાં ખોટું શું? શર્મિષ્ઠા મુખર્જીએ સોનિયા ગાંધીને આપ્યો જવાબ