આ સનસનાટીભર્યા હત્યા પાછળ પ્રેમ અને ઝનૂનની કરુણ વાર્તા બહાર આવી છે.
મર્ડર મિસ્ટ્રીથી ચકચાર
પ્રખ્યાત પંજાબી ગાયિકા યશિન્દર કૌર, જેને ઈન્દર કૌર તરીકે પણ ઓળખવામાં આવે છે. જે છ દિવસથી ગુમ હતી અને હવે તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. પોલીસે મૃતકનો મૃતદેહ નીલો કેનાલમાંથી શોધી કાઢ્યો છે. ગાયિકાના મૃત્યુની પુષ્ટિ થતાં સંગીત ઉદ્યોગ અને તેના પરિવારમાં શોક છવાયો છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને સમરાલા સિવિલ હોસ્પિટલના શબઘરમાં મોકલ્યો છે.
ખૂની કાવતરું ઘડ્યું
મૃતકના ભાઈ જોતિન્દર સિંહે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઈન્દર કૌર 13 મેના રોજ રાત્રે લગભગ 8:30 વાગ્યે ઘરનો સામાન ખરીદવા માટે તેની કારમાં બજારમાં ગઈ હતી. જ્યારે તે લાંબા સમય સુધી ઘરે પરત ન આવી ત્યારે તેના પરિવારને ડર હતો કે કંઈક ઘટના બની હશે. તપાસમાં જાણવા મળ્યું કે, મોગાના ભાલુર ગામનો રહેવાસી સુખવિંદર સિંહ ઉર્ફે સુખા, ઇન્દર કૌર પર લગ્ન કરવા દબાણ કરી રહ્યો હતો. ઇન્દર કૌરના ઇનકારથી હતાશ થઈને, સુખવિંદરે આ ખૂની કાવતરું ઘડ્યું હોવાની શંકા સેવાઇ રહી છે.
મૃતકના પરિવારનો આરોપ
પરિવારનો આરોપ છે કે સુખવિંદર સિંહ ખાસ કરીને ઇન્દર કૌર પર બદલો લેવા માટે કેનેડાથી પંજાબ આવ્યો હતો. તેણે અન્ય સાથીઓ સાથે મળીને રસ્તામાં ગાયિકાની કાર પર હુમલો કર્યો અને બંદૂકની અણીએ તેનું અપહરણ કર્યું. ત્યારબાદ આરોપીએ તેની ક્રૂરતાથી હત્યા કરી અને તેના મૃતદેહને નીલો કેનાલમાં ફેંકી દીધો હતો. ગુનો કર્યા પછી તરત જ મુખ્ય આરોપી સુખવિંદર સિંહ કાનૂની કાર્યવાહીથી બચી ગયો અને કેનેડા પાછો ભાગી ગયો હતો.
પોલીસનું નિવેદન આવ્યુ સામે
નહેરમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હોવાના અહેવાલો મળતાં, પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પરિવારના સભ્યોએ મૃતકની ઓળખ તેના કપડાં અને દેખાવના આધારે ઈન્દર કૌર તરીકે કરી હતી. આઈપીસીની સંબંધિત કલમો હેઠળ તપાસ ચાલી રહી છે. ફરાર સહ-આરોપીની શોધ ચાલુ છે અને મુખ્ય આરોપીને વિદેશથી પરત લાવવા માટે કાનૂની અને રાજદ્વારી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ આર્થિક કટોકટી વચ્ચે ક્યુબાએ અમેરિકા સામે ગોઠવી મજબૂત ગેરિલા વ્યુહરચના
