રાજસ્થાનમાં નશાના કારોબાર સામે સુરક્ષા એજન્સીઓએ લાલ આંખ કરી છે. રાજ્યમાં ગેરકાયદે રીતે થતી માદક પદાર્થોની ખેતી પર અંકુશ મેળવવા માટે એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, એન્ટી ટેરરિઝમ એન્ડ નાર્કોટિક્સ ફોર્સ રાજસ્થાન અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે 'ઓપરેશન શંકર' ચલાવવામાં આવ્યું હતું, જેના દ્વારા ડ્રગ્સ માફિયાઓને મોટો ફટકો પડ્યો છે.
ઉદયપુરના કોટરા વિસ્તારમાં રેડ અને કરોડનો જથ્થો જપ્ત
આ સંયુક્ત ઓપરેશન અંતર્ગત ઉદયપુર જિલ્લાના કોટરા તાલુકાના નયાવાસ ગામમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન આશરે 9.4 વીઘા જેટલા વિશાળ વિસ્તારમાં ગેરકાયદે ગાંજાની ખેતી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું.
આ જગ્યાએથી આશરે 7,577 ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસ અને NCBની ટીમે તમામ છોડને સ્થળ પર જ શોધી કાઢીને સંપૂર્ણપણે નષ્ટ કર્યા હતા. જપ્ત કરાયેલા આ પાકમાંથી અંદાજે 2,273 કિલો ગાંજાનું ઉત્પાદન થવાની સંભાવના હતી. આ ગેરકાયદે પાકની અંદાજિત બજાર કિંમત આશરે રૂ.11.76 કરોડ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

કાયદાકીય કાર્યવાહી અને NCB જોધપુર દ્વારા ગુનો નોંધી તપાસ
આ સફળ રેડ બાદ NCB જોધપુર દ્વારા સંબંધિત કાયદાઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગેરકાયદે ખેતી પાછળ કોણ-કોણ સંડોવાયેલ છે અને તેના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ફેલાયેલા આ ડ્રગ્સ નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે કેન્દ્રીય અને રાજ્યની સુરક્ષા એજન્સીઓ સંકલન સાધીને કામ કરી રહી છે.

રાજ્ય સરકારના કડક નિર્દેશો અને મોનિટરિંગ સિસ્ટમ
આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ ભવિષ્યમાં અટકે તે માટે રાજસ્થાન સરકારે કડક પગલાં લેવાના આદેશ આપ્યા છે. ગેરકાયદે નશીલા પાકની ખેતી પર સતત બાજ નજર રાખવા માટે મોનિટરિંગ અને રિપોર્ટિંગ સિસ્ટમ વધુ મજબૂત કરવા સૂચના અપાઈ છે. તમામ પટવારીઓને પોતાના વિસ્તારમાં નિયમિતપણે તપાસ કરવા આદેશ અપાયો છે.
- કોઈપણ શંકાસ્પદ ખેતીની માહિતી તુરંત જ ગિરદાવર અને તહસીલદારને આપવાની રહેશે.
- ગેરકાયદે ખેતી અંગેની કોઈ પણ માહિતી મળ્યેથી તેને માત્ર 48 કલાક ની અંદર NCB અને ANTF સાથે શેર કરવાની રહેશે.
આ પણ વાંચો: Brazil: રસ્તા પર ઉતર્યા Gen Z, ફ્લાવિયો બોલ્સોનારો સામે હજારો વિદ્યાર્થીઓ કેમ થયા એકઠા? 25 ઓક્ટોબર પહેલાં શું છે મોટો મુદ્દો?