બ્રાઝિલમાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પ્રથમ તબક્કાના પરિણામો બાદ રાજકીય માહોલ ગરમાયો છે. રિયો ડી જનેરિયોના મધ્ય વિસ્તારમાં હજારો વિદ્યાર્થીઓ અને યુવાનો રસ્તા પર ઉતર્યા અને ફ્લાવિયો બોલ્સોનારો સામે વિરોધ નોંધાવ્યો. પ્રદર્શન દરમિયાન લોકશાહી, શિક્ષણ અને દેશની રાજકીય દિશાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી.

ચૂંટણી પરિણામ બાદ અચાનક કેમ રસ્તા પર ઉતર્યા વિદ્યાર્થીઓ?

4 ઓક્ટોબરે યોજાયેલા પ્રથમ તબક્કામાં ફ્લાવિયો બોલ્સોનારો 47.03% મત સાથે પ્રથમ સ્થાને રહ્યા, જ્યારે વર્તમાન રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને 45.16% મત મળ્યા. કોઈ ઉમેદવારને 50%થી વધુ મત ન મળતા હવે બંને વચ્ચે 25 ઓક્ટોબરે બીજા તબક્કાનું મતદાન થશે. આ પરિણામ બાદ રિયોમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન થયું. પ્રદર્શનકારીઓએ બોલ્સોનારો પરિવારની રાજકીય વિચારધારા, લોકશાહી અને વિવિધ સામાજિક અધિકારો અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી.

પોસ્ટરમાં લખાયું- ‘બોલ્સોનારો ક્યારેય નહીં’

પ્રદર્શન દરમિયાન કેટલાક લોકોના હાથમાં બોલ્સોનારો વિરુદ્ધ નારા લખેલા પોસ્ટર જોવા મળ્યા. કેટલાક બેનરોમાં સરમુખત્યારશાહીનો વિરોધ અને લોકશાહી બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થી સંગઠનોના જણાવ્યા પ્રમાણે, આ વિરોધ માત્ર ચૂંટણી પરિણામો પૂરતો મર્યાદિત નથી, પરંતુ શિક્ષણ, લોકશાહી અને સામાજિક અધિકારો જેવા મુદ્દાઓ સાથે પણ જોડાયેલો છે.

Gen Zની રાજકીય એન્ટ્રીની ચર્ચા કેમ?

બ્રાઝિલના આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં યુવાનો જોવા મળતાં તેને જનરેશન ઝેડના રાજકીય આંદોલન તરીકે પણ ચર્ચવામાં આવી રહ્યું છે. જનરેશન ઝેડમાં સામાન્ય રીતે 1997થી 2012 દરમિયાન જન્મેલી પેઢીનો સમાવેશ કરવામાં આવે છે.યુવાનોમાં ચૂંટણી અને રાજકીય મુદ્દાઓ પ્રત્યે વધતી સક્રિયતા બ્રાઝિલની આ વખતની ચૂંટણીમાં ખાસ ચર્ચાનો વિષય બની છે.

ફ્લાવિયો બોલ્સોનારો કોણ છે?

ફ્લાવિયો બોલ્સોનારો પૂર્વ રાષ્ટ્રપતિ જૈર બોલ્સોનારોના પુત્ર અને રિયો ડી જનેરિયોના સેનેટર છે. 2026ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેઓ પ્રથમ વખત રાષ્ટ્રપતિ પદ માટે મેદાનમાં છે. તેમના પિતા જૈર બોલ્સોનારોની રાજકીય વારસાની અસર પણ આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ મુદ્દો બની છે. ફ્લાવિયોને પોતાના પિતાનું સમર્થન મળ્યું છે, જેના કારણે બોલ્સોનારો પરિવારની વિચારધારા અને વારસાને લઈને ચર્ચા વધુ તેજ બની છે.

હવે નજર 25 ઓક્ટોબર પર

બ્રાઝિલમાં હવે રાષ્ટ્રપતિ પદ માટે ફ્લાવિયો બોલ્સોનારો અને લુલા દા સિલ્વા વચ્ચે સીધી ટક્કર છે. પ્રથમ તબક્કાના પરિણામે બંને વચ્ચેનો અંતર લગભગ 2 ટકાનો રહ્યો છે, પરંતુ કોઈ ઉમેદવારને બહુમતી ન મળતાં અંતિમ નિર્ણય હવે બીજા તબક્કામાં થશે. રિયો ડી જનેરિયોમાં થયેલા યુવા પ્રદર્શનોએ આ ચૂંટણીમાં માત્ર રાજકીય પક્ષો જ નહીં, પરંતુ યુવાનો અને વિદ્યાર્થીઓના મુદ્દાઓને પણ ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે. 


    :    PM Modiના નારામાં અંગ્રેજીની એન્ટ્રી, ‘We Will Do It’ પાછળનો સંદેશ શું? વાંચો રસપ્રદ માહિતી