રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ નવેમ્બર 2025માં દિલ્હીના રેડ ફોર્ટ વિસ્તારમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં વધુ ત્રણ આરોપીઓ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. આ વિસ્ફોટમાં 11 લોકોના મોત થયા હતા. નવા આરોપીઓમાં જમીર અહમદ અહાંગર, તુફૈલ અહમદ ભટ અને ફરાર મુઝફ્ફર અહમદ ઉર્ફે ફરાજ ઉર્ફે જાફરનો સમાવેશ થાય છે. ત્રણેય જમ્મુ-કાશ્મીરના રહેવાસી હોવાનું NIAએ જણાવ્યું છે.
આરોપીઓની સંખ્યા વધીને 13 થઈ
આ સાથે કેસમાં ચાર્જશીટ થયેલા આરોપીઓની સંખ્યા વધીને 13 થઈ છે, જેમાં મુખ્ય આરોપી ડૉ. ઉમર ઉન નબી (હવે મૃત)નો પણ સમાવેશ થાય છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર ફરાર મુઝફ્ફર અહમદ વ્યવસાયે બાળરોગ નિષ્ણાત છે અને આતંકી સંગઠન AGuH Interimનો સ્થાપક સભ્ય હોવાનું સામે આવ્યું છે.
બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું
તપાસમાં ખુલાસો થયો છે કે મુઝફ્ફરે અન્ય આરોપીઓ સાથે મળીને 10 નવેમ્બર, 2025ના રોજ થયેલા વાહન આધારિત ઈમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ (VBIED) હુમલાનું કાવતરું ઘડ્યું હતું. શ્રીનગરમાં વર્ષ 2022 દરમિયાન યોજાયેલી ગુપ્ત બેઠકમાં આ આતંકી મોડ્યુલની રચના કરવામાં આવી હતી. NIAના જણાવ્યા અનુસાર ફરિદાબાદમાં આવેલી ગુપ્ત IED ફેક્ટરીમાં TATP આધારિત વિસ્ફોટકો તૈયાર કરવા, તેનું પરીક્ષણ કરવા અને સંગ્રહ કરવાની કામગીરીમાં પણ મુઝફ્ફર સામેલ હતો. તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે અને તેની શોધખોળ ચાલુ છે.
હથિયારો આતંકીઓ સુધી પહોંચાડ્યા હોવાનો આરોપ
જમીર અહમદ આતંકી મોડ્યુલ માટે હથિયારો, દારૂગોળો અને નાણાં પહોંચાડવાનું કામ કરતો હતો, જ્યારે તુફૈલ અહમદ ભટે AK-47, ક્રિન્કોવ રાઇફલ, પિસ્તોલ અને કારતૂસ સહિતના હથિયારો આતંકીઓ સુધી પહોંચાડ્યા હોવાનો આરોપ છે. NIAએ બંને ધરપકડ કરાયેલા આરોપીઓ સામે UAPA અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. એજન્સીએ જણાવ્યું કે ફોરેન્સિક તપાસ, જિયો-લોકેશન વિશ્લેષણ અને નાણાકીય વ્યવહારોની તપાસના આધારે સમગ્ર આતંકી નેટવર્કનો પર્દાફાશ થયો છે અને તપાસ હજુ ચાલુ છે.
આ પણ વાંચો : Assam : તિનસુકિયામાં મોટુ આતંકી ષડયંત્ર નિષ્ફળ, AK-56 સહિત ભારે હથિયારો જપ્ત